અમદાવાદઃ ગુજરાતના દરિયા કીનારે પણ હવે ડોલ્ફિન માછલીઓ જોવા મળી છે. અત્યાર સુધી જો આપણે ડોલ્ફિન માછલી જોવી હોય તો ગુજરાત સીવાય અન્ય જગ્યાએ જવું પડતું હતું. પરંતુ હવે ગુજરાતમાં જોવા મળી છે ડોલ્ફિન માછલીઓ.
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન ભારતના દરિયા કિનારે જોવા મળેલી 371 ડોલ્ફિનોમાંથી 235 માત્ર ગુજરાતના ઓખા અને પિરોટન ટાપુના કિનારે જોવા મળી છે.
ગુજરાતમાં કચ્છના અખાતમાં જોવા મળેલી ડોલ્ફિન બાદ એવી ભલામણ કરાઈ રહી છે કે આ વિસ્તારને સસ્તન દરિયાઈ જળચર પ્રાણીઓ માટે ભારતનો મહત્વપૂર્ણ વિસ્તાર જાહેર કરવામાં આવે. ‘રિકવરી ઓફ ડુગોંગ એન્ડ ધેર હેબિટેટ ઈન ઈન્ડિયા’ ટાઈટલ હેઠળ કરાયેલા અભ્યાસમાં કચ્છના અખાત, અંદામાન અને નિકોબાર ટાપુ, મનારનો અખાત અને પાલ્ક બે ખાતે કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં સામે આવ્યું કે ગુજરાતના દરિયા કિનારે માત્ર 7 ડુગોંગ જોવા મળ્યા. તેમાંથી 2 મૃત હાલતમાં હતા જે ચિંતા જનક બાબત છે. જ્યારે વિશેષજ્ઞોને 30 જેટલા ડુગોંગ મળવાનો અંદાજ હતો. સમગ્ર ભારતમાં ગુજરાતના દરિયા કિનારે સૌથી વધારે ડોલ્ફિનો જોવા મળી છે.
અમે ભારત સરકારને અનુરોધ કર્યો છે કે કચ્છના અખાત સાથે ગુજરાતના દરિયા કિનારાને દરિયાઈ જળચર પ્રાણીઓ માટે મહત્વપૂર્ણ વિસ્તાર જાહેર કરવામાં આવે. આ જગ્યાએ ભરતી ઓછી આવે છે જ્યારે ડોલ્ફિનનો ખોરાક માટેની માછલી અહીં વધારે પ્રમાણમાં મળી રહે છે. આ કારણે ઘણા દરિયાઈ જળચર પ્રાણીઓ માટે આ વિસ્તાર કુદરતી ઘર સમાન છે.
રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ કહ્યું કે, ‘ડોલ્ફિનની વધતી સંખ્યા રાજ્ય સરકાર દ્વારા સંરક્ષણ માટેના પ્રયાસોના કારણે છે. ડોલ્ફિન ટુરિઝમ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. જોકે અમે દરિયામાં અંડરવોટર ટુરિઝમ પ્રોજેક્ટથી દરિયાઈ સૃષ્ટિ બતાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.’ આ ઉપરાંત ગુજરાતના દરિયા કિનારે બલીન વ્હેલ, બ્લ્યૂ વ્હેલ જેવા અન્ય જળચર પ્રાણીઓ પણ જોવા મળ્યા હતા.