દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ઊભા કરલે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસો પણ તંત્રની દબાણ દૂર કરવાની કામગીરી યથાવત્ છે. આજે વહેલી સવારથી જ સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી યથાવત્ જોવા મળી હતી. ઓખાના હટીલા હનુમાન રોડ પર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલાં દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. મેગા ડિમોલિશનના પગલે બેડ દ્વારકામાં યાત્રિકોના અવર જવર પર પ્રતિબંધન લગાવવામાં આવ્યો છે. પરંતુ મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ યથાવત્ છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે પણ 50 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન મરીન પોલીસ બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શનિવારે 11 જાન્યુઆરીથી વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે 250 જેટલા આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરુ કરવામાં આવી હતી. 76 જેટલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 6 કરોડ 53 લાખની કિંમતની 12, 400 મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આ ડિમોલેશનને પગલે મોટા પોલસ અધિકારી અને મહિલા પોલીસ અધિકારીઓ સહિત 1 હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
આ અગાઉ એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.