ગુજરાતમાં ભારતના સુરક્ષિત રાજ્યોમાંથી એક ગણાય છે. પણ પાછલા થોડા સમયથી રાજ્યમાં એવા કિસ્સા બન્યા છે કે અહીં કાયદા અને વ્યવસ્થાને લઈ લોકો પ્રશ્ન ઊભા થાય. ત્યારે આ વચ્ચે ફરી એક વખત રાજ્યમાં કાયદા વ્યવસ્થાને સામે પ્રશ્ન ચિહ્ન સ્વરૂપ ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં મકરસંક્રાંતિની રાત્રે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફક્ત 100 રૂપિયા જેવડી નજીવી બાબતમાં માથાકૂટ થતાં અજાણ્યા શખસોએ પેટ્રોલ બોમ્બથી હોટેલ પર હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
મકરસંક્રાંતિની (14 જાન્યુઆરી) રાત્રે યુનિવર્સિટી રોડ ખાતે નકળંક ચાની હોટેલ પર અજાણ્યા શખસોએ 100 રૂપિયાની લેતીદેતી બાબતે માથાકૂટ કરી હતી. જોકે, માથાકૂટ બાદ થોડા સમય માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. બાદમાં સોડાની બોટલમાં પેટ્રોલ ભરી આ પેટ્રોલ બોમ્બ બનાવ્યો અને હોટેલ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતાં. હોટેલમાં પેટ્રોલ બોમ્બના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, મોડી રાત્રે હોટેલમાં લોકોની ભીડ ઓછી હોવાના કારણે કોઈ મોટી જાનહાનિની ઘટના ટળી હતી. સૂત્રોની જાણકારી પ્રમાણે આખી એમ છે કે આરોપીઓ નશાની હાલતમાં હતા. નશાની હાલતમાં તેમણે 50 રૂપિયા આપ્યા બાકીના રૂપિયાની માંગણી કરી જે વાતે નજીવી બોલાચાલી થઈ હતી. જે બાદ માથાકૂટ આગળ વઘારવા ન માગતા માલિકે 100 રૂપિયા પરત આપ્યા હતા. છતાં તેઓએ ત્યાં હાજર અન્ય વ્યક્તિઓને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારો બતાવી ધમકાવ્યા અને બેફામ ગાળો દીધી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયાં અને થોડા સમય બાદ પરત ફરી સોડાની બોટલમાં પેટ્રોલ ભરી તેમાં આગ ચાંપી હોટેલ પર ફેંકી હતી. સમગ્ર બાબતે હોટેલના માલિકે પોલીસ સ્ટેશનમાં આ અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં ચાર શખસ બોમ્બ બનાવી ફેંકતા જોવા મળ્યા હતાં. પેટ્રોલની બોટેલ જમીન પર પટકાતા જ ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. પોલીસ તપાસમાં દરમિયાન સ્થળ પરથી બે પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતાં. જેને પોલીસે કબજે કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.