અમદાવાદ– ચિત્રલેખા પરિવારના સ્વર્ગસ્થ તારકભાઈ મહેતાના ધર્મપત્ની ઈન્દુબહેન મહેતાનું આજે નિધન થયું છે. ‘દુનિયાને ઊંધા ચશ્મા’ ધારાવાહિક દ્વારા દાયકાઓથી ચિત્રલેખાના વાચકો તેમ જ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો સહિત સાહિત્યજગતમાં આ સમાચારે શોકલહેર ફેલાવી છે. 74 વર્ષીયા ઈન્દુબહેનનું ટૂંકી માંદગી બાદ તેમના અમદાવાદના આંબાવાડી સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું. ઇન્દુબહેનની પ્રાર્થનાસભા આવતીકાલે સાંજે ગજ્જરહોલમાં રાખવામાં આવી છે.
રતિલાલ બોરીસાગર શ્રદ્ધાસુમન અર્પણ કરતાં…
ડીરેક્ટર અસિત મોદીએ કાંધ આપી હતી…
ઇન્દુબહેનના નિધનના ખબર મળતાં ગુજરાતી સાહિત્યકાર વસુબહેન ભટ્ટ, રતિલાલ બોરીસાગર, ડીરેક્ટર અસિત મોદી સહિત શહેરીજનો અંતિમ દર્શને આવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતી ભાષાના અતિ લોકપ્રિય હાસ્યકાર-નાટ્યકાર તથા ‘ચિત્રલેખા’ની સીમાચિહ્ન રૂપ કોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને આપવામાં આવેલી આદરાંજલિના સંકલનનું પુસ્તક ‘તારક મહેતા: સ્મૃતિ વિશેષ’નું લોકાર્પણ તાજેતરમાં જ-29 ડીસેમ્બરે અમદાવાદ અને મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શ્રીમતી ઇન્દુબહેન મહેતા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ