શ્રીજીની મૂર્તિ ખંડિત કરનાર પર તંત્રની લાલ આંખ, 7 લોકોને દબોચ્યા

રાજ્ય સહિત દેશમાં ગણેશ મહોત્સવની ઘૂમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કેટલાક અસામાજીક તત્વો ગણેશ મહોત્સવની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાછલા 4 દિવસ 4 એવા બનાવ બન્યા છે કે જેનાથી ગણેશ મહોત્સવની શાંતિમાં ખલેલ પહોંચે. સુરત બાદ હવે કચ્છના નખત્રાણાના જદોડરમાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર જડોદરમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસે 8 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો છે, અને 7 લોકોની પોલીસે પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ પથ્થરમારો કરનારા અસમાજિક તત્વો સામે કડક પગલાં લેવાની બાહેધરી પણ આપી છે. ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત કરવામાં આવી છે. લોકોએ ખોટી અફવા ફેલાવવી નહીં અને કોઈની ધાર્મિક ભાવનાઓનેને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી અને ઉશ્કેરણી જનક મેસેજ ન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે આ પ્રકારની ઘટના 4 દિવસમાં 4થી વખત બની છે. સૌ પ્રથમ તારીખ 8 સપ્ટેમ્બરના સુરતમાં ગણેશ પંડાલ પર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા આ કેસમાં 28 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. તો બીજી બાજું વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. તેમજ 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો.