અમદાવાદઃ ચીનમાંથી જન્મેલો કોરોના વાયરસ હવે વિશ્વના ઘણા દેશોમાં પહોંચ્યો છે. ચીનમાં આ વાયરસે હજારો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે અને 550 કરતા વધારે લોકોના જીવને આ વાયરસ ભરખી ગયો છે. ભારતમાં આ વાયરસ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ખૂબ જ ચોક્સાઈ રાખવામાં આવી રહી છે અને જરુરી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનો ટેસ્ટ આજથી શરુ કરી દેવામાં આવ્યો છે. અહીંયા એક સ્પેશિયલ લેબ તૈયાર કરવામાં આવી છે કે જેમાં લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.
સિંગાપોરથી આવેલા બે પ્રવાસીઓ અત્યારે SVPમાં દાખલ થયા છે. તેમજ બન્નેના બ્લડ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદની SVP હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમના લોહીના પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ દ્વારા આજે એવું કહેવામાં આવ્યું છે કે હવેથી કોરોના વાયરસ માટેના બ્લડ સેમ્પલ પૂના મોકલવામાં આવશે નહી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનથી પરત ફર્યા બાદ આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ બંને દર્દીઓમાં એક વ્યક્તિ પહેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે જો તે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો અન્ય લોકોમાં પણ આ વાઈરસ ફેલાવાની શક્યતા છે.