અમદાવાદ: શહેર DEO (District Education Officer) અને ગ્રામ્ય DEO દ્વારા આટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગની ટીમને સાથે રાખી જુદી-જુદી શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના બિનઅધિકૃત વાહનો લાવવા મુદ્દે અને શાળાઓમાં સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા તેમજ સ્કૂલ વાન સહિતના વાહનોને વીમો, પીયુસી અને લાઇસન્સ સહિતના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ટ્રાફિક મુદ્દે વારંવાર કેટલાક પ્રશ્ન ઊભા થતા હોય છે અને હાઈકોર્ટ પણ આ મુદ્દે તંત્રની ઝાટકણ કરતી હોય છે. ત્યારે અમદાવાદમાં 30 સપ્ટેમ્બરના સવારે DEO અને ગ્રામ્ય DEO દ્વારા આરટીઓ અને ટ્રાફિક પોલીસની ટીમે સાથે મળીને શહેરની કેટલીક શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલીવાર આ પ્રકારે બંને ડીઈઓ દ્વારા શાળામાં સુરક્ષાને લઈને ઓચિંતી તપાસ શરૂ કરાઈ હતી. જેમાં અમદાવાદ શહેરના ડીઈઓની ટીમ શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પહોંચી હતી. જ્યાં સ્કૂલ બસ તેમજ સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાન પાસે વીમો અને પીયુસી હતાં જ નહીં, તેમજ ડ્રાઇવરો પાસે લાઇસન્સ પણ ન હતું. જેથી, આરટીઓ દ્વારા વાહન ચાલકોને 46,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય ટ્રાફિક પોલીસ દ્વારા 18,500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલાં રાજ્ય સરકારના આદેશથી તમામ ડીઈઓ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ સુરક્ષાને લઈને સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાનના તમામ પ્રકારના દસ્તાવેજ ક્લિયર રાખવા ખાસ તાકીદ અને આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં આ પ્રકારે જરૂરી દસ્તાવેજ વિના જ વાહન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારે વિદ્યાર્થીઓની સુરક્ષાને અવગણીને જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે.
બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા આજે સવારે સેટેલાઇટની નારાયણ ગુરૂ સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓની ટીમને સાથે રાખી બિનઅધિકૃત રીતે સગીર વયના વિદ્યાર્થીઓ લાઇસન્સ વિના શાળાએ વાહન લઈને આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના 20 જેટલાં વિદ્યાર્થીઓ બિનઅધિકૃત રીતે વાહનો લઈને શાળાએ આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં સૌથી વધુ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા 38 હજાર જેટલો દંડ કરાયો હતો. જેમાં આરટીઓ વિભાગ દ્વારા 20 હજાર અને ટ્રાફિક પોલીસ દ્વારા 18 હજાર રૂપિયા જેટલો દંડ કરાયો હતો. આમ, બંને ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ ચેકિંગમાં વિદ્યાર્થીઓથી માંડી સ્કૂલ વર્ધીના વાહન ચાલકોને એક લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.