ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાતને ઝૂંપડપટ્ટીમુક્ત કરવાની નીતિના ભાગરુપે, હવે ખાનગી જમીન પર પણ પુનર્વિકાસ અને આવાસ માટે યોજના બનાવી છે. ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એવી પ્રાઈવેટ જમીનોને ડેટા એકત્ર કરવા જણાવ્યું છે કે જે હાલ સ્લમમાં ફેરવાઈ ચૂકી છે.
અનેક પ્રાઈવેટ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા રજૂઆતો કરવામાં આવ્યા બાદ સરકારે આ મામલે વિચારણા હાથ ધરી છે અને આવી જમીનોના રિડેવલપમેન્ટ માટે સરકાર વધારાની FSI, TDR, કોમર્શિયલ વિકાસ માટે જમીન તેમજ સ્લમમાં રહેતા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર જેવી સુવિધાઓ અને ઈન્સેન્ટિવ આપવાનું વિચારી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા અનેક શહેરોમાં પોતાની માલિકીની જમીન ધરાવતા અને જેમની જમીન પર ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટીઓ બની ગઈ છે તેવા લોકોએ રાજ્ય સરકારને અપીલ કરી છે. જમીન પર દબાણ અને કાયદાકીય વાંધાવચકામાં પડી હોવાથી પોતાની જમીન હોવા છતા આ લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી.
તેમણે જણાવ્યું કે, ‘આવા સ્લમ્સ ગેરકાયદે હોવાની સાથે સાથે નિયમો વગર બંધાયેલ હોવાથી શહેરોમાં ટ્રાફિક જામથી લઈને બીજી પણ અનેક સમસ્યા ઉભી કરી છે. જેમ કે આવા વિસ્તારમાં સ્વછતા ન બરાબર હોય છે જેના કારણે બીમારીઓ વધે છે. તો બીજી તરફ ગેરકાયદેસર ઝૂંપડા બનેલા હોવાથી સીવેજ અને ટોયલેટ જેવી વ્યવસ્થા હોતી નથી તેના કારણે ખુલ્લામાં હાજત ને ગંદવાડની સમસ્યા પણ વકરે છે. જ્યારે બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિ છે કે શહેરો સ્લમ ફ્રી બને અને દરેક લોકોને એક ગુણવત્તા ધરાવતું જીવન મળે. જેને ધ્યાને રાખીને પ્રાઇવેટ જમીન પર સ્લમના રીડેવલોપમેન્ટ માટેની નીતિ તૈયાર કરવામાં આવી છે.’
‘અહીં બિલ્ડિંગો બનવાથી નાના વિસ્તારમાં ઘણા લોકો રહી શકશે. તેમજ વર્ટિકલ ડેવલોપમેન્ટ થવાથી જેમની વ્યક્તિગત માલિકીની જમીન પર દબાણ થયું છે તેનો ઘણોખરો ભાગ મુક્ત થશે અને તેઓ પોતાની જમીનનો ઉપયોગ કરી શકશે. તેમજ જે ડેવલોપર આવી જમીન પર રીડેવલોપમેન્ટ કરશે તેમને કોમર્શિયલ વપરાશ માટે જમીનનો એક ભાગ મળશે. જ્યારે સ્લમમાં રહેતા લોકોને તમામ જીવન જરુરિયાતની બેઝિક સુવિધાઓ સાથેનું પાક્કું મકાન મળશે. સાથે જ તેમના નામે ટાઇટલ ક્લિયર સંપત્તિ પણ મળશે તેમજ પ્રધામંત્રી આવાસ યોજનાના લાભોનો ફાયદો પણ મળશે.’