સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના દિવસે સ્મિત જીયાણી નામના યુવકે પોતાની સાથે પરિવારને પણ મોતનાઘાટે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્મિતના પત્ની અને પુત્રનો મોત નિપજ્યુ હતું. જે બાદ સ્મિત સહિત તેના માત પિતાના ગંભીર હાલતમાં હોવાથી તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં સારવાર દરમિયાન સ્મિતે આજરોજ ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.
પત્ની અને પુત્રના હત્યારા સ્મિત જીયાણીને છેલ્લા ચાર દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન સરથાણા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નિવેદન નોંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે સ્મિતની તબિયત સ્થિર હોવા છતાં પણ તે પોલીસની તપાસમાં સહકાર ન આપીને નાટક કરી રહ્યો છે. દરમિયાન આજે સ્મિતને ડોક્ટરો દ્વારા એકદમ સ્વસ્થ હોવાનું જણાવી ડિસ્ચાર્જ આપવાની શક્યતા હતી. જેની જાણ સ્મિતને પણ થઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ ધરપકડ કરશે તેવી જાણ થતા સ્મિત દ્વારા આજે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટોયલેટ જવાના બહાને સ્મિત ફરી એક વખત આપઘાત કરવાનો પ્રયાશ કર્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં માતા અને પિતા બંનેની પણ સારવાર કરવામાં આવી રહી હતી. પિતાની સ્થિતિ સારી થતા રજા આપી દેવામાં આવી છે. જ્યારે માતાની હાલત હજુ પણ ગંભીર હોવાથી ICUમાં સારવાર હેઠળ છે.