ભચાઉમાં સ્કૂલ વાનને નડ્યો અકસ્માત, 1નું મોત 8 ઘાયલ

ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આજે સ્કૂલ વેન ચાલક બ્રિજ પર સળિયા ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 8 બાળકોને ઈજા પહોંચી છે તો એક બાળકનું મોત થતા ચકચાર મચી ગયો છે.

ભચાઉ તાલુકામાં નાના ફુલકાઓ ભણવા જવા ઘરેથી નીકળ્યા હતા, અને પહોંચી ગયા હોસ્પિટલ. વાત એમ છે કે,  ભચાઉ તાલુકાના નંદગામથી નવ વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ વેન રાબેતા મુજબ નીકળી હતી. તે દરમિયાન ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર સવારે  7 વાગ્યાના અરસામાં તેમને અકસ્માત નડ્યો હતો. સ્કૂલવેનનાં ચાલકે બ્રિજ પર સળિયા ભરેલા ટ્રેઈલરને  ઓવરટેક કરવા જતા ટ્રેઈલરમાં સ્કૂલવેન અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત થતા સ્કૂલવેન બે વખત  પલટી ખાઈ જતા તેમાં  સવાર 9 વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં 9 ઘાયલ બાળકોને સારવાર અર્થે  ભચાઉની સરકારી હોસ્પિટલમાં અને વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આજે ભચાઉ તાલુકાના ચોપડવા નજીક અકસ્માત સર્જાયો હતો ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે એક વાત નક્કી છે કે કેટલાક સ્કૂલ વાહન ચાલકો ને વાહનો ચલાવવાની ગંભીરતા નથી. સામાન્ય રીતે કોઈપણ સ્કૂલ વાહનને આર. ટી.ઓના નિયમો પાલન કરવાના હોય છે, પણ નિયમો નેવે મુકાતા હોય છે. સ્કૂલ વેન, રીક્ષામાં વિદ્યાર્થીઓ ઘેટાં બકરાની માફક ભરવામાં આવે છે, પરિણામે અકસ્માત સર્જાય છે. આજે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂરત છે તમારા સંતાનો જે વાહનમાં જાય છે તે તેના માટે સેફ છે કે નહીં તે જોવું જરૂરી બની રહે છે. સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન કરે છે કે નહીં તે તપાસ થવી જોઈએ.