અમરેલીના લેટર કાંડના પડઘા ગુજરાતભરમાં પડી રહ્યા છે. તો બીજુ આ મામલે રાજકારમ પણ ગરમાયું છે. પાયલ ગોટીના સરઘસના વિરોધમાં રાજકિય નેતાઓથી લઈ સમાજિક આગેવાનો પણ ન્યાયની માગ સાથે મેદાને ઉતર્યા છે. આ દરમિયાન લેટરકાંડમાં સામેલ અન્ય 3 આરોપીમાંથી એક આરોપી પર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લેટરકાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પાયલ માટે ન્યાયની માગને લઈ રાજ્યમાં ભરમાં હોબાળો ચાલી રહ્યો છે. ત્યારે લેટરકાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળીયાને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આરોપી અશોક માંગરોળીયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો. માંગરોળીયા લેટકાંડને લઈને કેસમાં દોષમુક્ત જાહેર ન થાય, ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શું હતી લેટરકાંડની સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાની ધરપકડ કરવામાં આવી હતી.