અમદાવાદઃ વિદેશમાં ફાર્માસીસ્ટોને ડૉક્ટર જેવો દરજ્જો મળે તો ભારતમાં કેમ નહિ એવો સવાલ ઝાયડસ ગ્રુપના માલિક પંકજ પટેલે ઉઠાવ્યો હતો. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી આયોજીત રીફ્રેશર કોર્સના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. પંકજ પટેલે જણાવ્યું હતું કે વિદેશમાં ફાર્માસિસ્ટને ડૉક્ટરની જેમ ગણીને આદર આપવામાં આવે છે તો ભારતમાં કેમ નહિ? પણ આવો દરજ્જો મળે તેના માટે ફાર્માસીસ્ટોએ દવાઓના લેટેસ્ટ જ્ઞાન અને ડોઝ વિશે જાણકારી જેવી બાબતોથી સુસજ્જ થવું પડશે. ટેકનોલોજી પ્રગતિના પંથે ઝડપથી હરણફાળ ભરી રહી છે ત્યારે આપણે અપડેટ નહિ થઈએ તો સ્પર્ધામાંથી ફેંકાઈ જઈશું. હંમેશા અવનવું શિખતા રહો.
સિવીલ હૉસ્પિટલના અસ્મિતા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે એવી માહિતી આપી હતી કે હવે ફાર્માસીસ્ટોની ભૂમિકા બદલાઈ રહી છે. એક જમાનામાં ડૉક્ટર ચિઠ્ઠીમાં લખી આપે તે પ્રમાણે દવાની પડીકીઓ બનાવી આપવી કે બાટલીમાં પ્રવાહી દવા ભરી આપતા. હવે દવાઓના રેડીમેઈડ પેકેટોના ડિસ્પેન્સીંગનો જમાનો આવ્યો છે. સદાકાળ દર્દીઓના ભલાનો વિચાર કરતા રહેશો તો તમને સારૂં કામ કર્યાનો આત્મસંતોષ પણ મળશે.
આપણે આરોગ્ય વિજ્ઞાનની પ્રગતિ સાથે બીમારીઓને વધુ સમજતા થયા છીએ. હવે તો વ્યક્તિગત અલગ અલગ સારવારનો યુગ આવ્યો છે. રંગસૂત્રો આધારિત જીન થેરાપીના ઉપયોગથી પર્સનલાઈઝ દવાઓ વિકસાવવામાં આવી રહી છે. તેનું મૂલ્ય કરોડો રૂપિયામાં હોય છે. ભવિષ્યમાં દર્દીઓ ડૉક્ટરને મળ્યા પછી ફાર્માસીસ્ટ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવે એવી આશા રાખશે. આ બાબતને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે એવું ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવવું જોઈએ કે જેનાથી દવાઓની તમામ જાણકારી આસાનીથી ઉપલબ્ધ બને, એવું સૂચન પણ તેમણે કર્યું હતું. રિફ્રેશર કોર્સના કાર્યક્રમમાં 400 ફાર્માસીસ્ટોએ ભાગ લીધો હતો.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સદસ્ય ડૉ. સી એન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી છેલ્લા પાંચ વર્ષમાં રિફ્રેશર કોર્સ અંતર્ગત 40 હજારથી વધુ ફાર્માસીસ્ટોને તાલીમ આપવામાં આવી છે. તેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે. ફાર્માસીસ્ટોને દવા ઉદ્યોગના લેટેસ્ટ પ્રવાહોથી વાકેફ કરવાના આ કાર્યમાં અનેક ફાર્મસી કૉલેજો પણ સારો સાથસહકાર આપી રહી છે. તે ઉપરાંત દવાઓ વિશે જાણકારી આપવા કાઉન્સિલ દ્વારા ડ્રગ ઈન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નવી નવી દવાઓ વિશે જાણકારી પૂરી પાડવામાં આવે છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉ. પંકજ પટેલના હસ્તે કાઉન્સિલના નવા શરૂ કરવામાં આવી રહેલા ન્યૂઝલેટર -ફાર્માઝેસ્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજા સત્રમાં ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના સિનીયર ઈન્સ્પેક્ટર અને પાલનપુરના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ડૉ. મનોજ ગઢવી, ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના સિનીયર ઈન્સ્પેક્ટર અને સુરેન્દ્રનગરના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ડૉ. જયેશ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર વિજયકુમાર પરમાર, બી.જે મેડિકલ કૉલેજ-અમદાવાદના પ્રોફેસર અને ફાર્મકોલોજી વિભાગના વડા ડૉ. ચેતના દેસાઈ અને ભાવનગરની શાંતિલાલ શાહ ફાર્મસી કૉલેજના પ્રોફેસર ડૉ. પ્રકાશ શાહે વિવિધ વિષયો અંગે ફાર્માસીસ્ટોને માર્ગદર્શન આપ્યું હતું. કાઉન્સિલના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર નિકેતા પટેલે આભારવિધિ કરી હતી.