વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ગતિએ ગાડી હંકારતા બે યુવકોએ રસ્તા પર ચાલતા લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે હેમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તાત્કાલિક પગલાં ભરતાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને તેની સાથે રહેલા પ્રાંશું ચૌહાણની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપી યુવકો હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સનો સેવન કરી રહ્યા હતા. તેમની રેપિડ ટેસ્ટ કરવામાં આવતા ડ્રગ્સના નશામાં હોવાનો પુરાવો મળ્યો છે. આ સાથે મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ પોલીસ દ્વારા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. અકસ્માતમાં હેમાલી પટેલનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે જૈની, નિશાબેન, એક અજાણી બાળકી અને 40 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસે હવે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ સપ્લાય ચેઇનને લઈ પણ તપાસ હાથ ધરી છે.
