અમદાવાદમાં વક્ફ સુધારા બિલનો વિરોધ, 50થી વધુની અટકાયત

વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ રાજ્યસભામાં પણ લાંબી ચર્ચા પછી મોડી રાત્રે પસાર કરવામાં આવ્યું. આ બિલના વિરોધમાં અમદાવાદમાં શુક્રવારે જુમાની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ આ બિલને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો અને તેને પાછું ખેંચવાની માંગ કરી. આ દરમિયાન માહોલ તણાવગ્રસ્ત બન્યો હતો, પરંતુ પોલીસે સ્થિતિને કાબૂમાં રાખી. પોલીસે કડક વલણ અપનાવીને 50થી વધુ લોકોની અટકાયત કરી હતી.

અમદાવાદ ઉપરાંત પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને ઝારખંડના રાંચીમાં પણ આ બિલનો વિરોધ જોવા મળ્યો. રાંચીમાં એકરા મસ્જિદની બહાર જુમાની નમાજ બાદ લોકોએ હાથમાં બેનરો લઈને બિલના સંશોધનો સામે વિરોધ નોંધાવ્યો. પ્રદર્શનકારીઓએ આ ફેરફારોને પોતાના અધિકારો પર હુમલો ગણાવ્યો. બિહારના જમુઈમાં પણ રજા નગર ગૌસિયા મસ્જિદ ખાતે હજારો લોકોએ નમાજ બાદ ભેગા થઈને વિરોધ કર્યો. આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી અને ચિરાગ પાસવાન સામે નારેબાજી કરવામાં આવી, અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પાઠ ભણાવવાની ચીમકી આપવામાં આવી.

આ બિલને લઈને ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ હાઈ એલર્ટ પર છે. લખનઉ, સંભલ, બહરાઈચ, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, સહારનપુર અને નોઈડા જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. લખનઉમાં 61 હોટસ્પોટ ચિહ્નિત કરીને તેને સેન્સિટિવ ઝોનમાં રાખવામાં આવ્યા છે. પોલીસ ડ્રોન અને સીસીટીવી દ્વારા નજર રાખી રહી છે, અને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. નાગપુર પોલીસે એડવાઈઝરી જાહેર કરીને હિંસક વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહીની ચીમકી આપી છે. પોલીસ અધિકારીઓને કાયદો-વ્યવસ્થા ખોરવવાના પ્રયાસો સામે કડક પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.