અમદાવાદઃ ‘વિશ્વ યોગ દિવસ’- 21 જૂન 2015એ શરૂ થયા બાદ મોટા ભાગના દેશો ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી રહ્યા છે. ભારતમાં વિકસેલી યોગ વિદ્યા-પ્રાણાયામ એ વિશ્વએ સ્વીકાર્યાં છે. યોગ અને પ્રાણાયામથી શરીર-મન સ્વસ્થ રહે છે. આ સાથે મનુષ્યને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ સાથેના ‘યોગા ડે’ને આજે વિશ્વએ ઊજવ્યો. અમદાવાદમાં પણ જુદી-જુદી સરકારી ખાનગી સંસ્થાઓ, શાળા-કોલેજો અને હોસ્પિટલોએ યોગાની જાગૃતિ માટે જોડાયેલા હજારો લોકોએ આજે વહેલી સવારે ‘યોગા ડે’ની ઉજવણી કરી હતી.
અમદાવાદની સાયન્સ સિટીમાં આવેલી GSTની ઝોનલ કચેરી, શાયોના સિટી પાસે આવેલી અક્ષર વિદ્યાલય અને જી.એસ.સી. હોસ્પિટલ જેવી અનેક સંસ્થાના લોકોએ નિષ્ણાતોની ઉપસ્થિતમાં યોગના આસનોનો અભ્યાસ કર્યો હતો.
યોગા અને પ્રાણાયામનાં નિષ્ણાત પ્રિયંકા પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે કે યોગા અને પ્રાણાયામ હ્રદયની બીમારીઓ, કેન્સર,સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડની સંબંધિત રોગો, લિવર સંબંધિત રોગો, ડિપ્રેશન, અલ્ઝાઇમર, માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી અનેક સમસ્યાઓ રોગોમાં ઘણી રાહત આપે છે.
કેટલાક કિસ્સામાં જબરજસ્ત ચમત્કારિક સારવાર પણ મળે છે. રોજબરોજ જુદી-જુદી બીમારીઓ અને દવાઓમાં લોકો સપડાઈ રહ્યા છે. એવા સમયે શરીર તંદુરસ્ત રાખવા યોગા અને પ્રાણાયામ સ્વસ્થ રહેવા મદદરૂપ થાય છે. વિશ્વમાં યોગાની જાગૃતિથી લોકોના આરોગ્ય ચોક્કસ સુધારો થયો છે, એમ કહી શકાય.
(પ્રજ્ઞેશ વ્યાસ)