પ્રિન્સ રહીમ આગા ખાન-પાંચને શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા વારસાગત ઈમામ તરીકે જાહેર કરાયા

લિસ્બન, પોર્ટુગલ: પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન પાંચને શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા ઈમામ(આધ્યાત્મિક નેતા) જાહેર કરાયાં છે. તેમના પિતા પ્રિન્સ કરીમ અલ-હૂસૈની આગા ખાન-4ના વીલ(વારસાઈ)ને ખોલ્યાં પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રિન્સ કરીમ અલ-હૂસૈનીનું પોર્ટુગલના લિસ્બન ખાતે 88 વર્ષની વયે અવસાન થયું હતું.

પ્રિન્સ રહીમ આગા ખાન-પાંચ પ્રોફેટ મોહમ્મદના દિકરી હઝરત બીબી ફાતિમા અને પ્રોફેટના કઝીન અને જમાઈ હઝરત અલી મારફતે સીધા વંશજ છે. હઝરત અલી ઈસ્લામના ચોથા ખલીફા અને પ્રથમ શિયા ઈમામ હતાં. 1400-વર્ષોના ઈતિહાસમાં ઈસ્માઈલીઝ વારસાગત ઈમામની પ્રણાલી સાથે જીવી રહ્યાં છે. ઈસ્માઈલીઝ 35 દેશોમાં વસે છે અને તેમની વસ્તી 1.2 કરોડથી 1.5 કરોડ હોવાનું અનુમાન છે.

પ્રિન્સ રહિમ આગા ખાન-પાંચનો પરિચય

પ્રિન્સ રહીમ આગા ખાન-પાંચ શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા વારસાગત ઈમામ છે. તેમની નિમણૂંક તેમના સ્વર્ગવાસી પિતા પ્રિન્સ કરીમ આગા ખાન-4 દ્વારા શિયા ઈમામી ઈસ્માઈલી પરંપરાને અનુસરી કરવામાં આવી હતી. પ્રિન્સ રહીમનો જન્મ 12 ઓક્ટોબર, 1971ના રોજ થયો હતો. તેઓ પ્રિન્સ કરીમ આગા ખાન અને તેમના પ્રથમ પત્નિ પ્રિન્સેસ સલીમાહનું સૌથી મોટું સંતાન છે. પ્રિન્સ રહીમે ફિલીપ્સ એકેડેમી એન્ડોવર ખાતે અભ્યાસ કર્યો છે અને 1995માં બ્રાઉન યુનિવર્સિટી ખાતેથી કમ્પેરેટીવ લિટરેચર આર્ટ્સમાં સ્નાતક થયા હતા. પ્રિન્સ રહીમને તેમના ભૂતપૂર્વ પત્નિ પ્રિન્સેસ સાલ્વાથી બે સંતાનો પ્રિન્સ ઈરફાન(જન્મ 2015) અને પ્રિન્સ સિનાન(જન્મ 2017) છે.

તેઓ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની ઘણી સંસ્થાઓના બોર્ડ્સ પર સેવા આપી રહ્યાં છે. તેમજ તેઓ ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈસ્માઈલી સ્ટડીઝ અને ધ ઈસ્માઈલી કમ્યુનિટીની સોશ્યલ ગવર્નન્સ ઈન્સ્ટીટ્યુશન્સની કામગીરીને નજીકથી અનુસરી રહ્યાં છે.

પ્રિન્સ રહીમ AKDNની પર્યાવરણના રક્ષણ અને ક્લાઈમેટ ચેન્જની અસરોને  ખાળવાના પ્રયાસો સાથે સંકળાયેલા છે, અને AKDNની એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાયમેન્ટ કમિટીના ચેરમેન છે. દારુણ ગરીબીમાં જીવી રહેલાંઓની જરૂરિયાતો પૂરી કરવાના અને શિક્ષણ, તાલીમ અને સાહસિક્તા મારફતે તેમની આજીવિકામાં સુધારાના AKDN અને ઈસ્માઇલી કમ્યુનિટી સંસ્થાઓના કામ પર તેઓ સતત દેખરેખ રાખે છે.

પ્રિન્સ રહીમ નિયમિતપણે સરકારી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાગરિક સમાજના આગેવાનોને મળતાં રહે છે અને ઈસ્માઈલી ઈમામત સાથેના તેમના સંબંધોને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. સાથે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલાઓના જીવનને સુધારણાના AKDNના પ્રયાસોને આગળ ધપાવી રહ્યાં છે.