અમદાવાદઃ ખેતી, ઉદ્યોગ, અને વિવિધ સેવાઓ એ ભારત દેશના મજબૂત સ્તંભ છે. દેશના આ સ્તંભને ઉર્જાની સતત જરુરિયાત રહે છે, ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી પર સહુ વધારે નિર્ભર છે. ભારત દેશની ઉન્નતિ અને ઉજ્જવળ ભવિષ્ય નદીઓનું એક બીજા સાથે જોડાણ, ગામડાં અને શહેરોનું જોડાણ, શહેરથી શહેરનું જોડાણ, ગામડાંથી ગામડાંનું જોડાણ કરતાં મજબૂત-સરળ માર્ગો. આ માર્ગો પર પરિવહનની સુદ્રઢ વ્યવસ્થા. ઇલેક્ટ્રિસિટી, માર્ગ પરિવહનની વ્યવસ્થા અને નાગરિકોને સવલતો વાર્ષિક માથાદીઠ આવક વધારવામાં મહત્વનો ફાળો ભજવે છે.
આ વ્યવસ્થાઓ અને ઊર્જાશક્તિથી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે.કારણ ભારત પાસે ઉત્કૃષ્ટ બુદ્ધિધન છે , જેમાં ડોક્ટર્સ, વૈજ્ઞાનિક, રાજકારણી, અર્થશાસ્ત્રી, ટ્રેડર્સ, નાના-મોટા ઉદ્યોગ ધરાવતા લોકો અને અન્ય અનેક ક્ષેત્રોના લોકોનો સમાવેશ થાય છે. આવા રચનાત્મક મુદ્દાને લઇને અમદાવાદ મુલાકાતે છે, ભારતની પરમાણુ સહેલી તરીકે જાણીતા ડો. નીલમ ગોયલ.
સમગ્ર સાક્ષરતા, વિજ્ઞાન, ટેકનોલોજી, જળ અને વિદ્યુત વિકાસ જાગૃતિ સંસ્થાન અને પરમાણુ ઉર્જા વિકાસ જાગૃતિ સંસ્થાન સાથે જોડાયેલા ડો. નીલમ ગોયલે આજે અમદાવાદ ખાતે જણાવ્યું કે નદીઓના પાણીનો સતત બારે માસ પ્રવાહ વહેતો રહે તેમજ નહેરો પર સોલાર પ્લાન્ટની સ્થાપના થાય તો ગુજરાત રાજ્યના તમામ ગામડાંમાં ખુશહાલી આવી શકે છે. ભારત અને ચીન 1991-92 સુધી એકજ વિકાસ દરે ચાલતા હતા. પરંતુ છેલ્લા 17 વર્ષમાં ચીન ભારત કરતાં અનેક ઘણું આગળ નીકળી ગયું. ભારત આઝાદ થયાં પછી આપણી પાસે પણ સરદાર સરોવર નર્મદા નહેર યોજના, નદીઓના જોડાણની યોજના, પરમાણુ યોજના, સોલાર યોજના છે.
જો આ બધી જ યોજનાઓનું યોગ્ય રીતે અમલીકરણ થાય તો ભારત પણ વિશ્વમાં આગળ નીકળી શકે છે. નહેરો બનાવવાથી પાણીના સાતત્યથી રાજસ્થાનના વિશાળ રણમાં પણ વિકાસ કરી શકાય છે. આ પ્રજાતંત્રના પડકારો ને ઝીલવા તેમજ રોજગારીને વધુ મજબુત કરવા માટે કેટલાક આવશ્યક પગલાં જરુરી છે. ડો. નીલમ ગોયલ છેલ્લા કેટલાક સમયથી ભારતના સર્વાંગી વિકાસ માટેના ચાર મહત્વપૂર્ણ યોજના બાબતની જાગૃતિ દેશભરમાં ફરીને આપી રહ્યા છે.
અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ