અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, હવે વોટ્સએપથી કરાશે ફરિયાદ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા દુકાનો અને વાહનોમાં તોડફોડ થવાની ઘટના સામે હતી. જે બાદ રાજ્ય પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને શહેરમાં સક્રિય ગેંગની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 10 જેટલી ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં ખંડણી વસૂલતી, મિલકતો હડપ કરતી અને ગભરાટ ફેલાવતી ગેંગનો સમાવેશ થાય છે. હવે આવા તત્ત્વો પર સખત કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર 63596 25365 જાહેર કરવામાં આવ્યો છે, જેના દ્વારા નાગરિકો અસામાજિક તત્ત્વોની માહિતી આપી શકશે. DGP વિકાસ સહાયે સમગ્ર રાજ્યમાં આ ઝુંબેશ શરુ કરવાની સુચના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપી છે. તાજેતરમાં પોલીસ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજી અને 100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

શહેરની શાંતિ અને સુરક્ષાને જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસ ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organized Crime Act) હેઠળ આ ગેંગો સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. નાગરિકોને પણ વિનંતી કરવામાં આવી છે કે, જો તેઓ કોઈ ગેરકાયદે પ્રવૃતિઓ જોશે તો તરત જ પોલીસને જાણ કરે.