આસારામ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિના હત્યારાને 10 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ: આસારામ પર દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો હતો છે. ત્યારે આ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની રાજકોટમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપીને પકડી પાડવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. 10 વર્ષ બાદ રાજકોટ પોલીસે અમૃત પ્રજાપતિના હત્યારાને કર્ણાટકથી ઝડપી પાડ્યો છે. હાલ આ આરોપીને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. જે બાદ પોલીસ પ્રેસ કોન્ફર્ન્સ કરી આરોપી અંગે વધુ માહિતી આપશે. મહત્વનું છે કે અમૃત પ્રજાપતિ આસારામ દુષ્કર્મના કેસમાં એક મહત્વના સાક્ષી હતા, જેમની આસારામે જ હત્યા કરાવી હોવાનો આરોપ છે. પ્રજાપતિ આસારામના પૂર્વ સાધક અને વૈદ્ય હતા.

23મી મે 2014ના રોજ રાજકોટમાં પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવેલા શાર્ર શૂટરે અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કર્યું હતું. દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિ વૈદ્યની ઉપર રાજકોટમાં ફાયિંરગ કરીને હત્યા કરાઈ હતી. તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. નોંધનીય છે કે, હુમલા બાદ ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ સ્થળ ઉપર જ પડી ગઈ હતી. આખરે દસ વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી અમૃત પ્રજાપતિના હત્યારાને કર્ણાટકથી પકડી પાડ્યો છે. મૃતક અમૃત પ્રજાપતિ લાંબા સમયથી આસારામ સાથે સંકળાયેલા હતા. તે વૈદ્ય હોવાથી આસારામના સ્વાસ્થ્યની અંગત કાળજી લેવાની જવાબદારી તેની હતી. પરંતુ મોટેરા આશ્રમમાં કિશોર વયના બે સાધકો દિપેશ-અભિષેકના શંકાસ્પદ અપમૃત્યુ પછી અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડયો હતો.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે મંગળવારે (સાતમી જાન્યુઆરી)  દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા છે, તેને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. આસારામને 31મી માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ કોર્ટે આસારામને નિર્દેશ કર્યો છે કે, તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને નહીં મળે.