પાંજરાપોળ ઓવરબ્રિજના વિવાદનો અંત, ફ્લાયઓવર બનાવવા માટે HC લીલી ઝંડી

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં બ્રિજને લઈ વિવાદ પાછલા ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેની જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં પણ કરવામાં આવી હતી. જેનો ગઈરાલે નિકાલ આવતા બ્રિજ બનવાનો માર્ગ મોકળો બની ગયો છે. આ બ્રિજ બનવાથી 1.50 લાખ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. પાંજરાપોળ જંકશન પર ઓવરબ્રિજ બનાવવા મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ હાઇકોર્ટે સુનાવણી પૂર્ણ કરતાં ચુકાદો અનામત રાખ્યો હતો. એની પર કોર્ટે આજે ચુકાદો આપતાં જાહેરહિતની અરજી નકારી દીધી છે, એટલે કે હવે પાંજરાપોળ જંકશન પર ઓવર બ્રિજ બનાવવા માટે AMC અને રણજિત કન્સ્ટ્રક્શનને હાઇકોર્ટ તરફથી કોઈ નકારાત્મક હુકમ મળ્યો નથી, જેથી એનું કામ આગળ વધશે. તો બીજી તરફ આ જાહેરહિતની અરજી સાથે હાઈકોર્ટે હેલ્મેટ, રોડની ગુણવત્તા, ટ્રાફિક-પોલીસ ભરતી, ટ્રાફિક જંકશન જેવા મુદ્દે સુઓમોટો અરજી લીધી હતી. એની પર સુનાવણી ચાલુ રહેશે.

ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેંચે ચુકાદામાં ઠરાવ્યું છે કે, પ્રસ્તુત કેસમાં ફ્લાયઓવરના નિર્માણનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનિકલ નિષ્ણાતોના રિપોર્ટના આધારે લીધો છે. તેવા કિસ્સામાં ટેકનિકલ અભિપ્રાયને નજરઅંદાજ કરીને કોર્ટ તેને ગેરકાયદે જાહેર કરી શકે નહીં. આ મહત્ત્વપૂર્ણ તારણ સાથે હાઇકોર્ટે ફ્લાયઓવરના નિર્માણના પગલે વૃક્ષો કપાતા ગ્રિન કવર ઘટશે, બ્રિજ બનાવનારી કંપનીનો રેકોર્ડ ખરાબ છે અને આ વિસ્તારમાં ટ્રાફિક ઘટ્યો સહિતની અરજદારની દલીલો ફગાવી કાઢી હતી. હાઇકોર્ટે નોધ્યું છે કે AMC પ્રજાના બહોળા હિત માટે ફ્લાયઓવર બનાવી રહી છે. ત્યારે બ્રિજના નિર્માણથી વૃક્ષો કપાશે અને ગ્રિન કવર ઘટશે એવી દલીલ અપ્રસ્તુત જણાય છે. AMC નવા 30 લાખ વૃક્ષો લગાવવાની છે. પાછલા વર્ષોમાં પાંજરાપોળ અને IIM વચ્ચેના રોડ પર ટ્રાફિકમાં ઘટાડો થયો છે. માત્ર એ દલીલના આધારે પ્રજાની સુખાકારી માટે બની રહેલાં બ્રિજના નિર્માણને અટકાવી દેવાનો આદેશ કોર્ટ કરી શકે નહીં. વિક્રમ સારાભાઈ રોડ ઉપર AMCએ પહેલાં 04 મીટરના સર્વિસ રોડ રાખવાની જાહેરાત કરી હતી, હવે એફિડેવિટ પર 5.25 મીટરના રોડની વાત કરી છે.