યાત્રાધામ અંબાજીમાં દર પૂનમના દિવસે ‘ચા’નો પ્રસાદ મળશે

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. યાત્રાધામ અંબાજીનું વિશેષ મહત્વ છે. પરંતુ પૂનમે દર્શન કરવાનું ખાસ મહત્વ હોય છે. હજારો માઈભક્તો દરેક પૂનમ ભરવા અંબાજી આવતા હોય છે. ભક્તો બોલ માળી અંબે જય, જય અંબેના નાદ સાથે દર્શન કરતા હોય છે. અંબાજીમાં દર્શન કરવા જતાં ભક્તો જરૂર મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે. પરંતુ હવે અંબાજીમાં ભક્તોને ચાનો પ્રસાદ પણ મળશે. અંબાજી મંદિરમાં આજે શરદ પૂનમથી ચાચરચોકમાં ચાના પ્રસાદનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. ખાસ કરીને દર મહિનાની પૂનમના દિવસે તો લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અત્યાર સુધી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ જરૂર ભક્તો લેતા હતાં. પરંતુ હવે ભક્તો માટે ચાના પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. આજથી આ ચાના પ્રસાદની શરૂઆત કરવામાં આવી છે. ઊંઝાના જય અંબે ગ્રુપ દ્વારા અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તેઓ મંદિરના ચાચર ચોકમાં માઈભક્તોને નિઃશુલ્ક ચાનો પ્રસાદ વિતરણ કરશે. શરદ પૂનમના દિવસથી આ સેવાની શરૂઆત જય અંબે ગ્રુપે કરી છે. દર પૂનમે માતાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રસાદમાં ચા આપવામાં આવશે.