હવે મેટ્રોની ટિકિટ માટે નહીં જોવી પડે રાહ, ઓનલાઈન સુવિધા શરૂ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થયા બાદ વધુમાં વધુ મુસાફરો મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેટ્રો રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટિકિટ લેવામાં ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુસાફર ઘર બેઠા અમદાવાદ મેટ્રોની એપ પરથી ટિકિટ બુક કરી શકશે. જનરેટ થયેલી ટિકિટના આધારે જે તે રેલવે સ્ટેશન પર સ્કેન કરી આસાનીથી પ્રવેશ કરી શકશે.

મેટ્રો ટ્રેનમાં મુસાફરોની આંકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Metro (Official) નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં મુસાફરોને મુસાફરી માટેની માહિતીથી લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ રેલવે સ્ટેશન પરથી ટિકિટબારી પર જઈને ટિકિટ લેવાની હતી જોકે હવે એપ પરથી પણ લોકો ટિકિટ બુક કરી શકશે. મેટ્રો રેલની ઓફિશિયલ એપ પર સૌ પ્રથમ Book Ticketમાં ક્લિક કરતા કયા સ્ટેશનેથી કયા સ્ટેશન સુધી જવું છે તે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ટિકિટ લેવાની છે તે સિલેક્ટ કરીને કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરવાથી કઈ તારીખની અને કેટલું ભાડું થયું તે દર્શાવવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તેમાં ક્લિક કરતાની સાથે જ UPI પેમેન્ટ કરવાનું હોય તેમાં માહિતી નાખ્યા બાદ તરત જ ઓનલાઇન પેમેન્ટ થઈ જશે અને ટિકિટ જનરેટ થઈ જશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાથી પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ટિકિટ બે કલાક સુધી જ માન્ય ગણાય છે. આ ઉપરાંત એપથી મેટ્રોની ઘણી બધી માહિતી પણ મળી શકશે.