નવરાત્રિ નહીં, લવરાત્રિ છે: અનુપમ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ

ગુજરાતમાં એક બાજું નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. અને બીજી બાજું બે ધર્મો સામે સામે આવ્યા જેવી પરિસ્થીતી જોવા મળી રહી છે. સ્વામિનારાયણ ગુરૂકુળના અનુપમ સ્વરૂપ સ્વામીનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, તેમાં તે કહે છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. શરમ સાવ ગઈ, જેવા નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. તો સંત સમાજના જ્યોતિર્નાથ મહારાજે આ નિવેદનને વખોડ્યું હતું.

અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ પર બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ નવરાત્રિ નહીં, પણ લવરાત્રિ છે. માતાજીની પૂજા નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. તેમણે જણાવ્યું હતું કે અરે ઓ ગુજરાતીઓ… તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે એ ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં, પણ લવરાત્રિ છે. કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે. આનાથી વિશેષ બીજું કશું નથી. કોઈ એમ કહે છે કે માતાજીની પૂજા નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. કોઈ એમ કહે છે કે ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને એ પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ કે મેં જ્યારે વાંચ્યું… પોસ્ટ એ હતી કે સમાજનું મોટું દૂષણ એટલે છૂટાછેડા. આ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે. તો જવાબમાં કોઈએ લખ્યું કે, ડિસરિસ્પેક્ટ. કોઈએ લખ્યું કે બેડ બિહેવિયર. કોઈકે એવું લખ્યું કે ઓછી વાતચીત થતી હશે. કોઈકે વળી એવું લખ્યું કે પૈસાનો અભાવ. કોઈએ એવું લખ્યું વધતી જતી જવાબદારીઓ, પરંતુ કોઈકે એવું લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. ઓહ માય ગોડ…

તેમણે જણાવ્યું હતું કે શું નવરાત્રિને કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે. લખનારે કંઈક જોયું હશે, કઈ વિચાર્યું હશે તો જ લખ્યું હશેને. જો ભાઈ… બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી. હાલના સમયમાં આ સમજવું ખૂબ જ જરૂરી છે. જે નવરાત્રિ આપણા ગુજરાતીઓની ઓળખાણ છે એ જ હવે લવરાત્રિ તરીકે ઓળખાય છે. આ તે વળી કેવી લાચારી. નવરાત્રિમાં માઁ આદ્યાશક્તિ અંબાની નવ નવ દિવસ સુધી પૂજા અને ઉપાસના થતી હોય, હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા, બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય છે. આ તે વળી કેવી લાચારી. પહેલા નવરાત્રિમાં સ્ત્રી માત્ર ને દેવી સ્વરૂપે જોવામાં આવતી. નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી. શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી. એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન ગણીને એક ભૂખ્યા ભેડિયા વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે.