ભાગેડુ નિત્યાનંદનું નવું કરતૂતઃ પોતાનો અલગ દેશ જ બનાવ્યો?

અમદાવાદઃ સ્વયંભૂ બાબા બનેલા નિત્યાનંદને અમદાવાદ સ્થિત તેમના આશ્રમ માટે અનુયાયીઓ પાસેથી દાન ઉઘરાવવા માટે બાળકોને કથિત રુપે કિડનેપ કરીને કેદમાં રાખવા માટે ગુજરાત પોલીસ શોધી રહી છે, ત્યારે Kailaasa.org નામની એક વેબસાઈટ સામે આવી છે, જેનાથી એવી વિગતો બહાર આવી છે કે નિત્યાનંદે પોતાના નવા દેશની સ્થાપના કરી દીધી છે, જેના માટે તેણે નવો ધ્વજ, નવું સંવિધાન તેમજ નવું પ્રતીક ચિન્હ પણ નક્કી કરી લીધું છે!!

આ વેબસાઈટ અનુસાર, ભાગેડુ નિત્યાનંદે હિંદુ સંપ્રભુ રાષ્ટ્રની જાહેરાત કરી છે અને તેની પાસે પોતાના દેશ માટે મંત્રી મંડળ પણ છે. વેબસાઈટમાં દેશ માટે દાન આપવાનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે, જેના દ્વારા દાન આપનારા લોકો મહાનતમ હિંદુ રાષ્ટ્રની નાગરિકતા પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત કરી શકે છે.

સાયબર વિશેષજ્ઞો અનુસાર, આ વેબસાઈટને 21 ઓક્ટોબર 2018 ના રોજ બનાવવામાં આવી હતી અને આને છેલ્લીવાર 10 ઓક્ટોબર 2019 ના રોજ અપડેટ કરવામાં આવી હતી. વેબસાઈટનું રજિસ્ટ્રેશન પનામામાં કરવામાં આવ્યું હતું અને આનો IP અમેરિકાના ડલાસમાં છે.

જો કે અત્યારે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે નિત્યાનંદનો આ દેશ કઈ જગ્યા પર છે પરંતુ વેબસાઈટ અનુસાર, આ એક સીમારહિત રાષ્ટ્ર છે, જેનું નિર્માણ દુનિયાભરમાંથી દૂર કરવામાં આવેલા એ હિંદુઓ દ્વારા કરવામાં આવ્યું છે કે જે પોત-પોતાના દેશમાં પ્રામાણિક રુપથી હિંદુત્વનું પાલન કરવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે.

વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે, કૈલાશ ઝુંબેશની શરુઆત સંયુક્ત રાજ્ય અમેરિકામાં થઈ અને આની આગેવાની એ હિંદુ આદિ શૈવ અલ્પસંખ્યક સમાજ કરી રહ્યો છે કે જેના માટે આની સ્થાપના થઈ છે અને આ આખી દુનિયાના સતાવવામાં આવેલા હિંદુઓ અને હિંદુ બનવા ઈચ્છુક લોકો માટે સુરક્ષિત સ્થાન છે. પછી ભલે તેમની જાતિ, લિંગ, સમુદાય, જાતિ અને પંથ કંઈપણ હોય આ લોકો ત્યાં શાંતિથી રહી શકે છે અને નિંદા, હસ્તક્ષેપ અને હિંસાથી મુક્ત રહેતા પોતાની આધ્યાત્મિકતા કલા અને સંસ્કૃતિને અભિવ્યક્ત કરી શકે છે.

બે યુવતીઓના મિસીંગ કેસમાં હાલ ગુજરાત પોલીસ નિત્યાનંદને શોધી રહી છે. તેને શોધવા માટે ગુજરાત પોલીસ કર્ણાટકના તેના આશ્રમ સુધી પહોંચી હતી, પરંતુ તેના હાથ કંઈ પણ લાગ્યું નથી. આ મામલે ગુજરાત પોલીસે ઈન્ટરપોલ, વિદેશ મંત્રાલયની પણ મદદ લીધી છે. સૂત્રોનું કહેવું છે કે, નિત્યાનંદ 2018ના વર્ષમાં જ દેશ છોડીને ભાગી ગયો હતો. તેનો પાસપોર્ટ પણ સપ્ટેમ્બર, 2018માં એક્સપાયર થયો હોવાનું સામે આવ્યું છે. તેના બાદ નિત્યાનંદ જુદી જુદી જગ્યાઓ પર હોવાનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે તેના અલગ દેશની આ માહિતી ચોંકાવી દે તેવી છે.