અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ પોલ માટે નવી SOP લાગુ

અમદાવાદના વિવિધ રસ્તાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલ.ઈ.ડી.લાઈટનું ફીટીંગ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં રોડ ઉપર પુરતો પ્રકાશ નહીં ફેલાતો હોવાની ફરિયાદ તંત્રને અવારનવાર મળતી રહે છે. આ બાબતને ધ્યાનમાં લઈ સ્ટ્રીટલાઈટના નવા નાંખવામાં આવનારા પોલ્સ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર અમલમાં મુકવા નિર્ણય કરાયો છે. 36 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા રોડ ઉપર 150 વોટ તથા 45 મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા રોડ ઉપર 170 વોટના ફીટીંગનો ઉપયોગ કરાશે. ધાર્મિક સ્થળ આવેલા હોય તેવા રોડ ઉપર ટ્રાફિકની ડેન્સીટી મુજબ એલ.ઈ.ડી.સ્ટ્રીટ લાઈટ ફીટીંગ કરાશે.

અમદાવાદમાં નવા સ્ટ્રીટ લાઈટ પોલ્સ નાંખવા અંગે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબનો અમલ કરાવવા લાઈટ વિભાગને તાકીદ કરી છે. જાહેર કરવામાં આવેલી એસ.ઓ.પી.મુજબ, હેરીટેજ બિલ્ડિંગ તેમજ તેની આજુબાજુના રસ્તા ઉપરાંત આઈકોનીક રોડ માટે કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવતી ડીઝાઈન મુજબના વોટેજના ફીટીંગ નિયત કરવામાં આવેલી ટેકનીકલ કમિટીની મંજુરી મેળવી ઉપયોગ કરવાનો રહેશે.શહેરમાં રોડની પહોળાઈ મુજબ,જી.આઈ.પાઈપના સ્વેજડ પોલ ઉભા કરવા  તથા આઈકોનીક રોડ માટે  કે અન્ય ખાસપ્રકારના રોડ માટે કોનીકલ પોલ કે કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવતી ડીઝાઈન મુજબના પોલ ઉભા કરવાના રહેશે.ગાર્ડન,લેક કે પોન્ડની ડીઝાઈન પ્લાન્ટેશન,એસ્થેટીક લુક,વોક-વે,ગજેબો,ફુવારા, આર્કીટેકચરલ થીમ નકકી કર્યા બાદ સ્થળ પરિસ્થિતિ અનુસાર  તેમજ સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ ગ્લાસ રેઈનફોર્સ્ડ પ્લાસ્ટીકના બનેલા ઈન્ટીગ્રેટેડ જંકશન બોકસ સહીતના પોલનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં આવેલા નોન ટી.પી., ટી.પી.સિવાયના જાહેર અવરજવરના રસ્તા તેમજ વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી ચાલીઓમાં અગાઉની નિતી મુજબ 18 વોટ એલ.ઈ.ડી.ફીટીંગ કરાવવાના બદલે 20 વોટ એલ.ઈ.ડી.ફીટીંગ્સ કરાવવામાં આવશે.