અમદાવાદમાં ભૂવા અને જમીન બેસવાની સમસ્યાના નિવારણ માટે નવી SOP જાહેર

અમદાવાદમાં અવાર નવાર ભૂવા પડવા અને રોડ બેસી જવાની સમસ્યાથી વાહન ચાલકો સ્થાનિક મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે આ રોડ રસ્તા પર પડતા ભૂવાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રોડ ઉપર થતા સેટલમેન્ટ માટે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરી છે. જેથી હવે શહેરના કોઈપણ રોડ ઉપર ભૂવો પડશે કે જમીન બેસી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે સ્થળે કામ કરનાર કોન્ટ્રાકટર કે એજન્સીની રહેશે. કોન્ટ્રાકટર કે એજન્સીએ રોડ ઉપર પડેલા ભૂવાનુ તાકીદે સમારકામ કરવું પડશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ અલગથી રકમ ચૂકવશે નહીં.

યુટીલીટી નાંખવા માટે ખોદાણ કરેલી જગ્યાએ રીફીલીંગ કરવાની કામગીરીમા એકસૂત્રતા જળવાઈ રહે એ માટે તંત્ર તરફથી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો અમલ કરવા નિર્ણય કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે ખોદાણ કરેલી જગ્યા તેમજ જીઓ, એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ તથા યુ.જી.વી.સી.એલ.જેવી તથા પાવર કંપની, અદાણી, જેટકો જેવી અન્ય એજન્સીઓને વિવિધ કામગીરી કરવા રોડ ઓપનીંગની મંજૂરી મ્યુનિ.તંત્ર તરફથી આપવામા આવે છે. જે મુજબ કોઈપણ સ્થળે કામગીરી કરતા પહેલાં અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો સર્વે કરી ટ્રાયલ પીટ લઈ કામગીરી શરૂ કરવામાં આવશે. બેરીકેશન દુર કરતા પહેલાં માટી, ડેબરીઝ કે અન્ય મટીરીયલ રોડ ઉપરથી સફાઈ કર્યા બાદ જ દૂર કરવામા આવશે. તમામ સર્વિસ પ્રોવાઈડરો જે મ્યુનિ.પાસેથી રોડ ઓપનીંગની મંજૂરી લઈ કામગીરી કરે છે. તે તમામે આર.ઓ.પરમીશન લેતા પહેલાં બાંહેધરી પત્ર આપવુ પડશે. કામગીરી શરૂ કરતા પહેલા ટ્રાફિક ડાયવર્ઝન સહીતની બાબતને લઈ સેફટી પ્લાન બનાવવાનો રહેશે. બેરીકેડીંગની તમામ બાજુએ ચેતવણીનુ ચિહ્ન ઉપરાંત એજન્સીની વિગત, સેફટી એન્જિનીયરના કોન્ટેક અંગેની વિગત સ્થળ ઉપર દર્શાવવી પડશે. સ્થળ ઉપર કામગીરી દરમિયાન સ્થળ ઉપર વધારાનુ મટીરીયલ દુર કરવાનુ રહેશે જેથી નાગરિકોને વાહનવ્યવહારમાં તકલીફ ના પડે.