ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવવા માટે અવાર નવાર ડ્રાઈવો ચલાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત વિવિધ નિયમોને લઈ લોકોને ઈમેમો પણ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વાહન ચાલકોને જુદા જુદા નિયમના ભંગ બદલ 30.91 લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચૂક્યા છે અને ગુજરાત હાલ ઈ-મેમોની સંખ્યામાં દેશમાં ચોથા ક્રમે છે. નોંધનિય છે કે ઉત્તર પ્રદેશ 1.12 કરોડના ઈ-મેમો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ કરવામાં આવતાં ઈ-મેમોની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો પણ થઈ રહ્યો છે. ગત વર્ષે 2023માં વાહન ચાલકોને 12.16 લાખના ઈ-મેમો ઈસ્યુ થયા હતા. જ્યારે આ વર્ષે 2024માં અત્યાર સુધીમાં 30.91 લાખ ઈ-મેમો ઇસ્યુ થઈ ચૂક્યા છે. જેમાં રોંગ સાઇડ વાહન ચલાવવું, લાયસન્સ-પીયુસી અને વીમા સહિતના વિવિધ ડૉક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને હેલ્મેટ વિના વાહન ચલાવવાથી માંડી સિગ્નલ તોડવા બદલ તેમજ ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા સહિતના અનેક નિયમ ભંગ માટે ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવે છે. જુદી જુદી રકમના દંડ સાથે ઈ-મેમો વાહનચાલકોને નંબર પ્લેટના આધારે ઇસ્યુ થાય છે. દર વર્ષે ઇસ્યુ થતા ઈ-મેમોની સંખ્યાની દૃષ્ટિએ હાલ ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ છે. આ વર્ષે માત્ર ઉત્તરપ્રદેશમાં 1.12 કરોડ ઈ- મેમો ઇસ્યુ થયા છે. જો કે ઉત્તરપ્રદેશમાં વાહનોની સંખ્યા અને વસ્તી પણ વધુ હોવાથી મેમોની સંખ્યા પણ સ્વભાવિક રીતે વધી શકે છે. જ્યારે બીજા નંબરે કેરળ, ત્રીજા નંબરે તમિલનાડુ, ચોથા નંબરે ગુજરાત અને પાંચમાં નંબરે હરિયાણા છે. મહત્વનું છે કે ગુજરાતમાં દર વર્ષે ઇસ્યુ થતાં ઈ-મેમોમાંથી હજારો ઈ-મેમો વાહનો ચાલકો ભરતા જ નથી.