રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા ફરી ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 212 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 ઇંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના પ્રમાણે મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. વહેલી સવારથી શહેરના એસજી હાઇવે, બોપલ, સરખેજ, શિવરંજની અને નવા વાડજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એને કારણે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના છે. એને કારણે આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.