હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સહિતના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ઉપર મંગળવારે બપોર પછી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. રાજ્યના 140 તાલુકામાં રાત્રિ સુધીમાં વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ રાજકોટ નજીકના લોધિકા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તો આ બાજુ પાટણ-વેરાવળમાં રાત્ર સુધીમાં લગભગ પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના લાઠીમાં 4 ઈંચ, બગસરામાં 5 જેટલો વરસાદ નોંધાયો. મેંદરડા અને તળાજામાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ગાજવીજ સાથે જામનગરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જ્યાં બે ખેડૂત સહિત એક મહિલાનું વીજળીના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે બીજી બાજું સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વીજળી ગુલ પણ થઈ હતી.
મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રપના 50થી વઘુ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ સાથે આશરે સાડાત્રણ ઈંચ , જુનાગઢના વિસાવદર,મેંદરડામાં અઢી ઈંચ, કુંકાવાવ વડિયા, ગોંડલ, માળિયા હાટીના, સૂત્રાપાડા સહિત વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદથી માધાપર ચોક સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મૂશ્કેલી વેઠવી પડી હતી.