દ્વારકામાં મેગા ડિમોલિશન ઝુંબેશ, 86 હજાર ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત

દ્વારકા: પાછલા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકામાં દાદાના બુલડોઝરથી ચકચાર મચી જવા પામ્યો છે. જિલ્લામાં થયેલા ગેરકાયદે દબાણ સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે જિલ્લાની આજુબાજુ આવેલા 7 ટાપુ પર ગેરકાયદે ઊભા કરેલા દબાણ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવે છે. અહીં દરિયાઈ માર્ગે દુશમન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે ખાસ ડિમોલિશનઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

અઠવાડિયાથી ચાલી રહેલી મેગા ડિમોલિશન ઝુંબેશમાં વહીવટી તંત્ર અને પોલીસ ખાતાના સંકલનમાં સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર 271 રહેણાંક અને 7 કોમશયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરીને 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી  છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 બંદરો, 55 લેન્ડીંગ પોઈન્ટ, 34 ટાપુઓ, 15 ફિશિંગ પોઈન્ટ અને 11 જેટી વિસ્તારમાં અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને તેઓ કોઈ આધાર-પુરાવા નહીં આપી શકતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનહાથ ધરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં  3 બંદરો, 11 ટાપુઓ, 11 લેન્ડિંગ પોઇન્ટ, 3 જેટી અને  6 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 પોર્ટ, 23 આઇલેન્ડ, 44 લેન્ડિંગ પોઇન્ટ, 8 જેટી અને 9 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે.