દેશમાં ભારે વર્ષા બાદ અંતે મેધરાજાએ વિદાય લીધી છે. આ સાથે ગુજરાતમાં શિયાળાએ ધીમા પગે દસ્તક દીધી છે. આ તમામ વચ્ચે હજી પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાની પણ સંભાવના છે. આ ઉપરાંત 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 7મીથી 14મી અને 19મીથી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. જે બાદ ડિસેમ્બર મહિનામાં ઠંડનું પ્રમાણ વધી શકે છે.
સામાન્ય રીતે ગુજરાતમાં 15મી ઓક્ટોબર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વખતે ઓક્ટોબર મહિનો પૂરો થઈ ચૂક્યો છે. અને નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે કેટલાક રાજ્યોમાં ઠંડીની ધીમી શરૂઆત જોવા મળી રહી છે. તો પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15મી થી 20મી નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ ઉપરાંત તમિલનાડુમાં આજે અને આવતીકાલે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે 3 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.