અમદાવાદઃ આજે અષાઢી બીજનો પાવન અવસર છે. જગતના નાથ ભગવાન જગન્નાથ આજે સવારે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે બપોરે ભગવાન સરસપુર પોતાના મોસાળમાં પહોંચતાં લાખો ભક્તો દ્વારા ભગવાનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનના સ્વાગત બાદ જગતના નાથનું, બહેન સુભદ્રાજીનું અને ભાઈ બલભદ્રજીનું મામેરું કરવામાં આવ્યું હતું.
મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરાનો સમાવેશ થાય છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરુંં કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરાં માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરું લઈ આવ્યાં હતાં.
ભગવાનના મામેરામાં ભગવાનને હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીંછીંયા વગેરે ઘરેણાં, તેમ જ સુભદ્રાજી માટે સાડી, બુટ્ટી, વીંટી, ઝાંઝર સહિત પાર્વતી શણગારનો સમાવેશ થાય છે. આ મામેરા માટે ભગવાનનાં વાઘા ઘી કાંટામાં રહેતા યતીન પટેલે બનાવ્યાં છે. ભગવાનના વાઘામાં મુગટ, પીંછવાઇ, પાથરણું, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતાં યતીન ભાઈને 35 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આશરે 50 હજારના વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવ્યાં છે.
આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજીભાઈ પટેલને મળી છે. તેમણે 20 વર્ષ અગાઉ ભગવાનનાં મામેરા માટે નામ નોંધાવ્યું હતું. જો કે 20 વર્ષ જેટલી લાંબી રાહ જોયા બાદ તેમને જગતના નાથનું મામેરું કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો હતો.
જગતના નાથનું મામેરું કરવાનો લ્હાવો ખૂબ આનંદદાયી હોય છે. વર્ષો પૂર્વે મામેરા માટેના નામનું બૂકિંગ થઈ જાય છે. અને આમાં પણ ડ્રો કરવામાં આવે છે. અને ડ્રોમાં જે વ્યક્તિનું નામ નીકળે તે વ્યક્તિને જગતના નાથનું મામેરું કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થાય છે.