ગુજરાતમાં આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. જ્યારે આ તહેવાર સિઝનમાં રાજ્યમાં અનેક જગ્યા પર ભાત ભાતના મેળાનું આયોજન થતું હોય છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં સાત અને આઠમના તહેવાર નિમિત્તે મેળાનું આયોજન થતું હોય છે. ત્યારે આ વર્ષે થોડા સમય પહેલા રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને તમામ મેળા તંત્રની ચાપતી નજર રહેશે. ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામા આવ્યું છે. આ પાંચ દિવસના લોકમેળામાં રોજ 5થી 6 લાખ લોકો મેળાને માણે છે. એટલે કે 5 દિવસમાં 25 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે છે. લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્લોટધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમ બનાવ્યા છે અને નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે.
આ લોકમેળાને લઈ સમિતિ દ્વારા એક ફોર્મ બનાવવામાં આવ્યું છે. આ ફોર્મમાં કુલ 44 શરતો આપવામાં આવી છે. આ તમામ શરતો/સૂચનાઓ મેં વાંચી છે. એનો ચુસ્તપણે અમલ કરવા હું બાંયધરી આપું છું તેમજ ભવિષ્યમાં આ બાબતે કોઈપણ બનાવ બનશે તો તેની બધી જ જવાબદારી અમારી રહેશે, એ બાબતે હું આ સોગંદનામું કરી આપું છું તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તથા હવે પછી કોઈ એસઓપી જાહેર કરવામાં આવે તો એ મુજબની શરતોનું પાલન કરવાની આથી હું બાંયધરી આપું છું. આ સોગંદનામું રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ કરાવી ફોર્મ સાથે ફરજિયાત જમા કરાવવાનું રહેશે અન્યથા આપની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
PGVCL દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, દરેક સ્ટોલ અને પ્લોટ પર CCTV અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. યાંત્રિક રાઈડ્સધારકો માટે ફિટનેસ સર્ટિ. ફરજિયાત છે. આ પ્રકારના 44 નિયમના પાલનની ખાતરી સાથેનું સોગંદનામુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સ્ટોલ અને પ્લોટની સંખ્યા 30 ટકા ઘટાડવામાં આવી છે, જેને લીધે ભાડું મોંઘું થશે. જોકે આગ લાગે કે મેડિકલ ઇમર્જન્સી આવે ત્યારે ફાયર ફાઈટર અને 108 એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે, એ માટે 5 એન્ટ્રી ગેટ પર ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવશે, સાથે જ ભીડને કંટ્રોલ કરવા ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે.