કાષ્ઠકળાના ઐતિહાસિક નગરમાં એ જ વારસાનો નાશ તેજીમાં, વિદેશમાં કરોડો….

સિદ્ધપુર: કોઇપણ નગર હોય તેની આગવી શૈલીસંસ્કૃતિ એવી બાબત છે જે જેતે ક્ષેત્ર માટે ગૌરવ પ્રદાન કરે છે. ગુજરાતમાં પણ એવા કેટલાક નગર છે જે સદીઓ પુરાણી ઐતિહાસિક વારસાઈથી શોભેઓપે છે. એમાં એક છે પાટણ જિલ્લાનું સિદ્ધપુર, ઐતિહાસિક નગર તરીકે જાણીતું આ શહેર પણ આધુનિક વિકાસકાર્યો ઝંખે છે તેમાં બેમત ન હોઇ શકે. જોકે વિકાસના આભાસી ચોલા પાઠળ અહીંની ઐતિહાસિક ઈમારતોનો નાશ થઈ રહ્યો છે. તેમાં પણ વોરા સમાજના કાષ્ટ કળાથી બનાવાયેલા સદી વટાવી ચૂકેલા મકાનોને તોડીને વેચવામાં આવી રહ્યાં છે એ ચિંતા કરવા જેવી વાત છે. વોરા સમાજના ધર્મગુરૂએ મકાનો તોડવા મનાઈ ફરમાવી હોવા છતાં સમાજના જ કેટલાક લોકો તેને અવગણીને કમાણી કરવા મકાનોને તોડી રહ્યાં છે.

વિદેશમાં કરોડોમાં વેચાઈ રહી છે કૃતિઓ

વોરા સમાજના ધર્મગુરૂએ ઈમારતોની જાણવણી કરવાની અને વારસાને સાચવવાની હાકલ કરી છે છતાં કેટલાક લોકો તેને ધોળીને પી ગયાં છે. કાષ્ટ કળાના બેનમૂન નમૂનાને તોડીને નાંખીને કાટમાળમાં ફેરવીને તેનો વેપાર કરતા હોવાના કિસ્સા સામે આવ્યાં છે.

રાજસ્થાનના વેપારીઓએ સિદ્ધપુરના કાષ્ટ કળાના કાટમાળને 70 લાખ સુધીની રકમ ચૂકવીને ખરીદી લીધો છે. જેને જયપુર સહિતના શહેરોમાં લઈ જને કાષ્ટ કળાની બેનમૂન કૃતિઓ પર એલિવેશન બનાવીને તેને વિદેશમાં વેચીને રાજસ્થાની વેપારીઓ કરોડોની કમાણી કરી રહ્યાં છે. એલિવેશન થયેલી વસ્તુઓ ચારેક કરોડમાં વેચાતી હોવાનું જાણવા મળે છે.

અમદાવાદની પોળોના બાંધકામોને સીલ કરાયા હતાં…

તાજેતરમાં જ અમદાવાદની ઐતિહાસિક પોળમાં નવા બાંધકામોને સીલ કરાયાં હતાં. મોટી કમાણી કરવાની લાલચે હેરિટેજ ઈમારતોને નુકસાન કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. ત્યારે સિદ્ધપુરમાં પણ ઐતિહાસિક ઈમારતોને તોડીને નવા બિલ્ડિંગ ઊભી કરવાની ચાલતી પ્રવૃતિ સામે તંત્ર પગલાં લેશે કે કેમ તે સવાલ છે.

બોલિવૂડની કેટલીક જાણીતી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયેલું

બોલિવુડના કિંગ ખાન શાહરૂખની રઈસ ફિલ્મમાં પણ કાષ્ટ કળાના નમૂના એવી વ્હોરવાડમાં ફિલ્મના ગીત કમરીયાનું શૂટિંગ થયેલું છે. આ ઉપરાંત બાહુબલી ફેઈમ રાજમૌલીની આવનાર ફિલ્મ ત્રિપલ આરનું શૂટિંગ અહીં થયું છે. આ સિવાય વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જાહેરાતનું શૂટિંગ પણ અહીં કરાયું હતું. અહીં મુલાકાતે આવતા વિદેશી સહેલાણીઓ કાષ્ટ કળામાં બનેલા મકાનોની તૂલના રોમ અને ઈટાલીના મકાનો સાથે કરે છે.

રોમન ઈટાલિક શૈલીની ઈમારતો

રોમન અને ઈટાલિક શૈલીના ઐતિહાસિક મકાનો 150 વર્ષ આસપાસના ગાળામાં સિદ્ધપુરમાં નિર્માણ પામ્યા હતા. તેને બનાવવા વિદેશથી વહાણોમાં સાગનું લાકડું લાવવામાં આવ્યું હતું. અને તેને તે સમયના 30 હજારના ખર્ચે બાંધવામાં આવ્યા હતા.

અહીંના વાઘ શેઠનો બંગલો અને 360 બારીબારણાંવાળી ઈમારત કાષ્ટ કળાનો ઉત્તમ નમૂનો મનાય છે. તે સમયે આવી ઈમારતો ખાસ પ્રકારના પથ્થરો અને લાકડાથી બંધાતી હતી. તેમ જ તેના બારી અને બારણાઓ પર વિવિધ પ્રકારની કોતરણી કરાતી હતી. હવે ગણ્યાંગાંઠ્યા જ કાષ્ટ કળાના કારીગરો બચ્યાં છે.