વડોદરા જિલ્લામાં ઉત્તરાયણને અનુલક્ષીને આજથી કરુણા અભિયાન શરૂ

ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. બજારમાં ઉત્તરાયણની ઉજવણી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પતંગ દોરા સાથે આરોગ્ય તંત્ર પણ  એલર્ટ બની ગયું છે. વડોદરામાં જિલ્લા પશુપાલન નિયામક અને 1962 કરુણા હેલ્પલાઇન દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓને બચાવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 10 થી 20 સુધી રેસ્ક્યુ સેન્ટર, પશુ મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં સાત સ્થળ પર પશુ દવાખાનાની ટીમ ઉપરાંત 1962 પશુ દવાખાનાની મોબાઈલ ટીમ પણ રાખવામાં આવી છે. પંડયા બ્રિજ, ભુતડી ઝાંપા વેટરનરી દવાખાના પાસે, વાઘોડિયા રોડ, ગોત્રી, સમા અને મકરપુરા બસસ્ટેન્ડ પાસે પશુઓની સારવાર માટે સાત મોબાઈલ ટીમ કાર્યરત રહેશે. આ સાથે સેવાભાવી સંસ્થાઓ સાથે પણ બેઠક કરીને ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમ અને સારવાર કેન્દ્રો ઊભા કરવા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરનાર છે. આ પર્વમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.10 થી તા.20  દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગના ધારદાર દોરાથી પક્ષી ઘાયલ થાય તો તેને સરળતાથી સારવાર મળી શકે તે માટે એનજીઓ સાથે બેઠક યોજી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પશુપાલન નિયામક, 1962 પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરનાં જણાવ્યા અનુસાર ઘાયલ પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ઉતરાયણના તહેવારમાં જિલ્લાના તમામ પશુ દવાખાના ચાલુ રાખવામાં આવશે. ચાઈનીઝ દોરી અને પતંગના વેચાણને અટકાવવા ચેકિંગ કરાશે. ગંભીર ઈજાગ્રસ્ત પક્ષીઓને કાર્યરત રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષી કે બીમાર પશુ જોવા મળે તો 1962 નંબર તથા 8320002000 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર અને આગામી દિવસોમાં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાશે. જેના પર સંપર્ક કરતા મેડિકલ અને એનજીઓની ટીમ સ્થળ પર આવી સારવાર કરે તેવું આયોજન કરાયું છે. ગયા વર્ષે કરુણા અભિયાન દરમિયાન વડોદરા જિલ્લામાં 10,700 થી વધુ પશુ પક્ષીઓને બચાવીને સારવાર પૂરી પાડવામાં આવી હતી.