ગુજરાતમાં નશાનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. પોલીસ અને એજન્સીની કાર્યવાહી પરથી તો એવું જણાય છે જાણે ગુજરાતમાં ગૃહઉદ્યોગ હોય તેમ નશીલા ડ્રગ્સનું ઉત્પાદન શરૂ થયું છે. એક વર્ષમાં પોલીસ, એનસીબી અને અન્ય એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરી દવાના નામે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતાં નોંધપાત્ર કહી શકાય તેવા સાત દરોડામાં 8 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડયું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂણેખાંચરે ફેક્ટરી નાંખી નશીલા ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. દવાના નામે પ્રતિબંધિત એવા સાઈકોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતાં એકમો અને આવા એકમો પકડાવાના ઘટનાક્રમ અને કારસ્તાને એજન્સીઓ માટે વધુ એક મોરચો ખોલ્યો છે.
જમીન માર્ગે અને જળ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ લાવવાના કિસ્સા સાથે, હવે દવાના નશાનું ઉત્પાદન કરનારાંઓ સામે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કડક અને સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત-રાજસ્થાનમાં સામૂહિક દરોડા પાડી 300 કરોડનું તેમજ સુરતના પલસાણામાંથી ડ્રગ્સ એટલે કે દવા બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. સાણંદ પાસે હજારો કિલો ડ્રગ્સ એટલે કે દવા સાથે ફેક્ટરી પકડાયું હતું. અમદાવાદ નજીક ચાંગોદર અને યુપીમાં ધમધમતી ટેબલેટ બનાવતી ફેક્ટરીમાં સામૂહિક દરોડા પાડી 15 લાખ ટેબલેટો કબજે કરવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદના ચાંગોદર, અંકલેશ્વર ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારે નશાની ટેબલેટ્સ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ તંત્રએ પકડી પાડી છે. છેલ્લાં એક વર્ષમાં પ્રતિબંધિત દવા બનાવતા અડધો ડઝન એકમો પોલીસ અને એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવી છે. ગુજરાત એટીએસ, એનસીબી સહિતની એજન્સીઓએ હાથ મિલાવીને ગૃહઉદ્યોગ હોય તેમ નશીલા ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી આરંભી છે. ચાલુ વર્ષે જ અમદાવાદ આસપાસના અડધો ડઝન એકમો ઉપર દરોડા પાડીને 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઈપણ યુનિટના નામ સાથે ફાર્મા શબ્દ જોડી દઈને આવી પ્રતિબંધિત દવા બનાવવાનું ચલણ ભયજનક રીતે વધ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પોલીસ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને એનસીબી દ્વારા દરોડા પાડવા અને આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. 4 હજાર એકમો ધરાવતી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત આસપાસના રાજ્યોની ફાર્મા કંપનીઓ ઉપર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખતી થઈ છે.