અમદાવાદ: આવકવેરા વિભાગે રતનપોળની એન.આર.કંપની અને સીજી રોડ ઉપરની એન.ડી. ગોલ્ડ જવેલરી એલએલપી ઉપર દરોડા પાડ્યા છે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી પકડાતી કેશ રકમને પોતાની હોવાનો દાવો કરીને તેને કમલેશ શાહ અને એમના મળતિયાઓ દ્વારા ક્લેમ કરવામાં આવતી હતી. અલગ અલગ કેસોમાં કરવામાં આવેલા દાવાઓ કરવામાં આવેલા ક્લેમને ધ્યાને લઈને IT વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની કામગીરી હજી યથાવત છે. દરોડામાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો પકડાય એવી સંભાવના છે.
આવકવેરા વિભાગે એવા ખુશ્બૂ શાહ, નીના શાહ અને ગૌરાંગ પંચાલને ત્યાં પણ તપાસ કરી છે. આ ઉપરાંત રમેશ ઠક્કર અને અન્ય બે કંપની પર IT વિભાગની તવાઈ આવી છે. જુદા-જુદા પાંચ કેસમાં કમલેશ શાહનાં નાણાં હોવાની વિગત સામે આવી છે. કમલેશ શાહ સામેના કેસની વિગતને આધારે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.
હૈદરાબાદ પોલીસે 3.75 કરોડ રૂપિયા જપ્ત કરીને 15 સપ્ટેમ્બર 2020એ ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓ અમદાવાદના કમલેશ શાહ માટે કામ કરતા હતા. જ્યારે કે મે 2021માં લોકડાઉન દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર રૂ 4.99 કરોડ જપ્ત કરાયા હતા. ડુંગરપુરમાં લક્ઝરી કારમાંથી 4.50 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિઓની તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓ રૂપિયા કમલેશ શાહ માટે નાણાં લઈ જઈ રહ્યા હતા.