નવરાત્રિમાં પડશે વરસાદનું વિઘ્ન, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદ ખેલૈયાના રંગમાં ભંગ પાડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે સાંજ પછી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

મળતી માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે શહેરીજનોને બફારાનો અનુભવ થશે તથા મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પણ આજે સાંજ પછી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ પછી દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ગતરોજ ગોવા પાસે જે પૂર્વ મધ્ય અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય હતું, તે આગળ વધીને મહારાષ્ટ્ર પાસેના દરિયા કાંઠાના વિસ્તારોમાં સક્રિય છે. તેને કારણે ગુજરાતના કેટલાક પ્રદેશોમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.