અમદાવાદઃ શહેરમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટે આજે 10 આરોપીને દોષિત જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 7 મહિલાઓનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, 7 થી 9 જૂન 2009 દરમિયાન અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો. તે સમયે 150 જેટલા લોકોના મોત થયા હતાં. જ્યારે 250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી. કેટલાક લોકોએ આંખો પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.
સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મિનિમમ 10 વર્ષની સજાની જોગવાઈ છે. આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે, આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. આ કેસમાં દરેક ગુના માટે અલગ અલગ સજા થવી અને આ સજા ભોગવવાનો અલગ અલગ હુકમ થવો જોઈએ. કલમ 65-બી મુજબ ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. કલમ 60-એ મુજબ પહેલા ગુનામાં 6 મહિના સુધીની જોગવાઈ અને દંડ છે. કેટલાક આરોપીઓના ઘરેથી દારૂ પીધો હોવાથી મોત થયાં છે તેમને પણ વધુ સજા થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં તપાસ ચલાવતી ક્રાઇમ બ્રાન્ચે એક પોલીસકર્મી સહિત 39થી વધુ લોકોની ધરપકડ કરી હતી. 22માંથી કેટલાક આરોપીઓ હાલ જામીન પર છે..જોકે આજે 22 આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા છે. આરોપીઓ સામે ગંભીર આરોપ હોવાથી તેમને જેલમાંથી કાઢવા પર પ્રતિબંધ લગાવતી કલમ 268 સરકારે લગાવી હતી. કાગડાપીઠમાં સર્જાયેલ લઠ્ઠાકાંડનો કેસમાં ફરિયાદ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ કરવામાં આવી છે.