રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. સારા વરસાદને પગલે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ધરતી પુત્રોમાં ખુશીની લહેરકી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારમાં જળબંબાકાર જેથી સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પણ ધરખમ પાણીની આવક નોંધાય રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતાં ગઈકાલ સુધીમાં ડેમના 9 ગેટ ખોલાયા હતા. જે આજે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ પડી ગઈ હતી. ડેમમાંથી આશરે 243923 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક નોંધાય છે. ઉલ્લેખીય છે કે પાણીની સારી આવકના પગલે પહેલા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જે આજે સવાર સુધીમાં વધારીને 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નોંધનીય છે કે મોડી રાત સુધીમાં હજુ પાણીની આવક વધે તો વધુ પાણી છોડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતના જીવાદોરી સમાન આ નર્મદા ડેમના મોટાભાગના આજુબાજુના 42 ગામડાઓમાં ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે ડેમની સપાટી 135.40 મીટરની આજુબાજુ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર જ છે. ડેમના ઉપરવાસમાં આવેલા વિવિધ ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોએ સિઝનમાં પહેલીવાર 15થી વધુ ગેટ ખોલવાની ફરજ પડી છે. આ 15 ગેટ લગભગ 2.85 મીટર જેટલા ખોલાયા હતા.
હાલ ઉપરવાસમાંથી 480233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ગેટમાંથી 200000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસમાંથી 43932 ક્યુસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23142 ક્યુસેક વગેરે મળીને 345932 ક્યુસેક પાણી નદીમાં જાય છે. જેથી નદી બન્ને કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે.