સુરત: કોંસબા નજીક હાઈવે પર આજે વહેલી સવારે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એક એકા રોડ પર ઉતરી જતા મુસાફરોની બુમ નીકળી ગઈ હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની ફોન કરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા બેથી ત્રણ લોકો કણસી રહ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બસમાં કેટલાંક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસનાં પતરાં કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યૂ કરી તમામને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે વહેલી સવારેના બનેલા અકસ્માતમાં 40 લોકો ફસાયા હતા. અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા વળ્યા હતા. જે બાદ ફાયર વિભાગને જાણ કરી લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનામાં 40 લોકો ફસાયેલા હતા, જેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ડ્રાઇવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઊતરી ગઈ હતી. તમામ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો કોઈ જાનહાનિ નોંધાઈ નથી.