રાજ્યની યુનિવર્સિટીના વિદ્યાર્થી કર્મચારી માટે હેલ્મેટ ફરજીયાત, DGPએ આપી સૂચના

અમદાવાદ: રાજ્યમાં વધતી ટ્રાફિકની સમસ્યાને હાઈકોર્ટે અવાર નવાર તંત્રની ઝાટકણી કરી છે. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતુ, રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપ્યો હતો. સચિવાલયના તમામ વિભાગ સહિત સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાની રહેશે. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલરને પત્ર લખીને સૂચના આપી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રમાં લખ્યું કે, ‘રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજેત 16.4 લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેઓ અવર-જવર માટે મોટા ભાગે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ અકસ્માતમાં કુલ 7,854 લોકો મૃત્યુ   નિપજ્યા હતા, જેમાં 2,767 (35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આ પૈકી 2,082 (26.50%) લોકોની ઉંમર 26 વર્ષથી ઓછી હતી, જે ખૂબ જ આઘાતજનક છે. આ લોકો મોટા ભાગે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. આ પત્રમાં કહેવાયું છે કે, હેલ્મેટ પહેરવું એક સરળ અને અત્યંત અસરકારક પગલું છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓનું જોખમ ઘટાડી શકાય છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ ફરજિયાત છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે માટે આપના સહકારની વિનંતી છે.