ખરાબ રોડ-રસ્તાને લઈ HCએ કરી AMCની ઝાટકણી

ગુજરાત હાઈકોર્ટ ગત 25 જુલાઈના રોજ બિસ્માર રસ્તા અને ગેરકાયદે દબાણ સહિત રખડતા ઢોરને લઈ સુનવણી હાથ ધરી હતી. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ ઑથોરિટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેનીની બેચમાં આ સુનવણી હાથ ધરવામાં આવી હતી. HC એ AMCને ઝટકાણી કરતા કહ્યું કે ‘શહેરના ખરાબ રસ્તા અને ભુવા મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનિટરીંગ નહીં હોવાથી ચાર ઇંચ વરસાદમાં પણ નાગરિકો હેરાન થાય છે. શું કૉર્પોરેશનના અધિકારી-કર્મચારીઓ પગાર નથી લેતા? જો તેમનો પગાર સમયસર થતો હોય તો શહેરમાં રોડ-રસ્તાનું કામ પણ સતત ચાલુ રહે અને પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે.’

એઅમ.સી.એ જવાબ રજૂ કરી રોડ-રસ્તા, ખાડા-ભુવાને લઈ કામગીરી કરી હોવાના દાવા કર્યા હતા, જેમાં શેલામાં પડેલા મોટા ભુવાને તાત્કાલિક પૂરી દેવાયો છે અને તે રોડ પર ટ્રાફિક શરુ થઈ ગયો હોવાની વાત કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘આ વાત ખોટી છે, ત્યાં રોડ પર વાહનોની અવરજવર શરુ નથી થઈ.’ એ.એમ.સી.ની પોલ ખુલ્લી પડી જતાં તેમણે સ્વીકાર્યું હતું કે, એક જ બાજુનો રસ્તો ખુલ્લો છે.

કૉર્પોરેશનના દાવાને ખુલ્લા પાડતાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, ‘તમે કહો છો કે, અમે ખાડા-ભુવા પૂરી દઈએ છીએ અને ઝડપથી કામગીરી કરીએ છીએ. પરંતુ શહેરમાં આવા ખાડા-ભુવાઓ પડે છે જ કેમ..? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટીને ટેન્ડર આપી રોડ-રસ્તાની કામગીરી કરાય છે તો તમારા એન્જિનિયરો શું કરે છે?’