ઉત્તરાયણમાં ચાઈનીઝ અને ગ્લાસ કોટેડ દોરી પર HCએ લગાવ્યો પ્રતિબંધ

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં પતંગ ફીરકીના બજાર ગોઠવાય ગઈ છે. પરંતુ આ તહેવારમાં સૌથી મોટો વિલન બને છે, ચાઈનીઝ દોરો અને ગ્લાસ કોટેડ માંજાની રીલો, જેનાથી અનેક લોકો સહિત પશુ પંખી પણ પીડાતા હોય છે. વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિંબધ લગાવવામાં આવ્યો હતો. આ મુદ્દે વધુ ચર્ચા આજે એટલે કે 10 જાન્યુઆરી 2025ના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હુકમમાં ઉમેરો કરતા નાયસોન દોરી અને ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દશે બાદ પોલીસ દ્વારા કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સરકારપક્ષ તરફથી સોગંદનામામાં જણાવ્યા મુજબ, ઉતરાયણના 2025ના તહેવારને લઇ ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગૃહવિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પણ 24 ડિસેમ્બરના 2024ના રોજ જારી કરી દેવાયું હતું અને તેના અનુસંધાનમાં રાજયના તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા પણ જરૂરી પરિપત્ર જારી કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે. સુનવણી દરમિયાન એડવોકેટ નિમિષ કાપડિયાએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે, પોલીસ ઓથોરીટી અને સરકારના સત્તાવાળાઓ ચાઇનીઝ, નાયલોન દોરી અને તુક્કલ સામે કાર્યવાહી કરી રહી છે પરંતુ ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહી કરવામાં કેમ ઉણા ઉતર્યા છે..? કે જયારે ખુદ ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ તેના ચુકાદામા ચાઇનીઝ, નાયલોન દોરીની સાથે સાથે ગ્લાકોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવેલો છે ત્યારે ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહીના કોઇ નક્કર આંકડા રજૂ થયા નથી.