રાજકોટ સિવિલ ફરી વિવાદોમાં ઘેરાઈ, જાણીતા હાસ્ય કલાકારે લગાવ્યા ગંભીર આક્ષેપ

રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમની ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટરો મનફાવે તેવા સમય પર આવે છે. જેના પરિણામે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે. હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી.

આખી વાત એમ છે કે, 15 દિવસ પહેલા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની બહેન હળવદ જતા હતા ત્યારે એક કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. જેનાથી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક મોરબી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ડોક્ટરોની બેદરકારી સામે આવી. હકાભા ગઢવીએ જણાવ્યું કે તેમનાં જેવા નામાંકિત કલાકાર હોવા છતાં 5 કલાક બાદ બહેનનું સિટી સ્કેન થયું, તો પછી સામાન્ય ગરીબ દર્દીઓને કેવી હાલાકી ભોગવવી પડતી હશે? તેમની ફરિયાદ છે કે ડોક્ટરો દર્દીઓ “વારો આવે ત્યારે આવજો” કહીને લટકાવે છે, જેના કારણે ગંભીર દર્દીઓના જીવન પર સંકટ ઊભું થાઈ શકે છે.

તેમણે વધું જણાવ્યું કે, અકસ્માત જેવા ગંભીર કેસમાં સારવારમાં આટલો બધો સમય થાય તો દર્દી સાથે વધુ ગંભીર બનાવ પણ બની શકે છે. સરકારની સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સુવિધા છે છતાં ડોક્ટરોની બેદરકારીના કારણે ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી કે સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે સુવિધાના સાધન તો અપાય છે. પરંતુ ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી નથી.  તંત્ર દ્વારા ડોકટરોની કામગીરીને લઈને નિયમિત તપાસ થવી જોઈએ અને હોસ્પિટલના સત્તાધીશો આવા બની બેઠેલા ડોક્ટરો વિરુદ્ધ કડક પગલાં લે તેવી મારી માંગ છે.