ગુજરાતનો દરિયાકિનારો વધ્યો!, સર્વે ઓફ ઈન્ડિયાના ચોંકાવનારા આંકડા જાહેર

ગુજરાતનો દરિયાકાંઠો દેશમાં સૌથી લાંબો છે, જે અત્યાર સુધી 1600 કિલોમીટર નોંધાયેલો હતો. પરંતુ હવે 700 કિલોમીટરના વધારા સાથે ગુજરાતનો દરિયાકાંઠો 2300 કિલોમીટર થયો છે. સરવે ઓફ ઇન્ડિયાએ અદ્યતન ટેક્નોલોજીની મદદથી સમગ્ર દેશનો દરિયાકાંઠાને માપવામાં આવ્યો હતો. જેમાં આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આ વધારો એ ગુજરાતના દરિયાકાંઠાની જમીનના ધોવાણના કારણે થયો છે. જેમાં ખંભાતના અખાતથી કચ્છ સુધી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સર્વે ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ આંકડા મુજબ, ભારતમાં કુલ 11,098 કિલોમીટર લંબાઈ ધરાવતો દરિયાકિનારો છે. જેમાં સૌથી વધુ લાંબો દરિયાકિનારો ગુજરાતમાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1970માં ગુજરાતમાં 1,214 કિલોમીટરનો દરિયાકાંઠો હતો, જે બાદ 1660 કિલોમીટર થયો, ત્યારબાદ 1945 કિલોમીટર થયો. આમ, ગુજરાતનો દરિયાકાંઠો છેલ્લા 53 વર્ષમાં લગભગ બમણો થઈને 2,340 કિલોમીટર થઈ ચૂક્યો છે. જો કે, આંદામાન અને નિકોબાર દરિયાકિનારો સૌથી લાંબો છે, પરંતુ તે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનો દરિયાકિનારો 3083 કિલોમીટરથી પણ વધુનો છે. પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા ફેરફારોની સીધી અસર ગુજરાત સહિત દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ થઈ રહી છે. પરંતુ હવે, આગામી વર્ષોમાં આ લાંબો દરિયાકિનારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરે તેવી કુદરતી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એવું માની શકાય કે, ગત વર્ષોમાં દેશના દરિયાકિનારે દરિયાના પાણીનું સ્તર વધ્યું છે.

1970માં ભારતે આંકડો જાહેર કર્યો ત્યારે એ વખતની ટેક્નોલોજી વપરાઈ હતી. હવે જિયો સ્પેશિયલ ટૂલ્સ, સેટેલાઈટ ઇમેજીસ અને અન્ય સાધનોને કારણે દરિયાકાંઠો વધારે ચોક્સાઈપૂર્વક માપી શકાયો છે. અગાઉ નદીમુખ, નદી સમુદ્રને મળતી હોય એ ખાડીનો વિસ્તાર અંદરથી મપાતો ન હતો. આ વખતે મપાયો છે, એટલે બંગાળનો દરિયાકાંઠો 157 કિલોમીટર હતો એમાંથી સીધો સાડાત્રણ ગણો વધીને 721 કિલોમીટરે પહોંચ્યો છે! નવા આંકડામાં સમગ્ર દેશનો દરિયાકાંઠો તો વધ્યો છે, પણ પુડુચેરી એવું સ્થળ છે, જ્યાં ઘટાડોય નોંધાયો છે. એનો સમુદ્રકાંઠો જમીનના ખવાણને કારણે 4.9 ટકા (10.4 ટકા) ઘટ્યો છે.