ગુજરાત યુનિ.ના એસો.પ્રો. કમલજીત લખતરિયાએ રૂપિયા 4.10 કરોડની ગેરરીતિ આચરી

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સીસ (એનીમેશન વિભાગ) કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા એસોસીએટ પ્રોફેસરે  તેમને મળેલી સત્તાનો દુરઉપયોગ કરીને યુનિવર્સિટી સાથે રૂપિયા 4.10 કરોડની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. આરોપી પ્રોફેસર હાયર પેમેન્ટની ફી અને એડેકેમીક ખર્ચના નાણાંના ખોટા હિસાબો દ્વારા નાણાં અંગત એકાઉન્ટ તેમજ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

16 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતી યુનિવર્સિટીના અધિકારી અજય દાસે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કમલજિત લખતરિયા વર્ષ 2015થી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડિનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા. ખાનગી કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એનિમેશન વિભાગમાં ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા અને 70% એનિમેશન વિભાગને લેવાના હતા. યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી કો-ઓર્ડિનેટરની હતી. વર્ષ 2023માં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતી થઈ હોવાની જાણ થઈ હતી.

આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન કમલજિત લખતરિયાને નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરવામાં આવી હતી. ઇન્કવાયરી દરમિયાન કમલજિત લખતરિયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપ્યા નથી. કમલજી લખતરિયાએ ઇન્કવાયરી દરમિયાન સ્વીકાર પણ કર્યો હતો કે, શરત ચૂકથી પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. જે પૈકી 67.32 લાખ ટુકડે-ટુકડે પરત જમા કરાવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીને લેવાના 30 ટકા લેખેના 4.09 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા અને યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત કરીને નાણાની ઉચાપત કરી હતી. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કમલજિત લખતરિયાની ધરપકડ કરવામાં આવી છે.