ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ્સ પકડાવવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS એ મુંબઈના ભિવંડી વિસ્તારમાંથી 2 ભાઈઓની લિક્વિડ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, ગત મહિનામાં સુરતથી 51 કરોડના ડ્રગ સાથે પકડાયેલ આરોપીઓની તપાસમાં મુંબઈના ભિવંડીની માહિતી એટીએસને મળી હતી. હાલ એટીએસ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
એટીએસને માહિતી મળી હતી કે ભિવંડીના ચીંચબંદર વિસ્તારમાં આ બન્ને ભાઈઓ એમડી ડ્રગ બનાવે છે. માહિતીના આધારે દરોડા પાડીને ત્યાંથી 10.969 કિલો સેમી-લિક્વિડ એમડી અને 782 કિલો બેરલોમાં ભરેલ લિક્વિડ એમડી કબ્જે કરવામાં આવેલ છે. જેની અંદાજિત કિંમત 800 કરોડ થાય છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં ત્રણ ભાઈ સાથે મળી કામ કરતા હતા જેમાંથી બે ધરપકડ કરવામાં આવી છે.
ATSના દરોડા સમયે ઘટના સ્થળેથી એમડી બનાવવાની સામગ્રી અને સાધનો પણ મળી આવેલ છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદ યુનુસ અગાઉ દુબઈમાં રહીને ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્મગ્લિંગ કરતો હતો. તેને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો. જેની સાથે મળી બન્ને ભાઈઓએ રૂપિયાની લાલચમાં એમડી બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ બન્ને ભાઈઓ છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યા છે પરંતુ બે વાર નિષ્ફળ પણ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.