અમદાવાદ- સરકારી સહાય પ્રાપ્ત કરતી તમામ શાખાની કુલ 514 કોલેજોમાંથી આગામી જૂનમાં ગ્રેજ્યુએટ થનારા 1.25 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 60,000 વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત થનારા પ્લેસમેન્ટ કેમ્પ્સમાં નોકરી મેળવવા માટે નોંધણી કરાવી છે. આ આંકડો ઓછામાં ઓછો એક લાખ હોવાની ધારણા હતી, કારણ કે સરકારે પહેલીવાર માત્ર સરકારીને બદલે સરકારી સાથે સરકારી સહાયપ્રાપ્ત કરતી કોલેજોમાં પણ આવા પ્લેસમેન્ટ કેમ્પ્સ યોજવાનું આયોજન કર્યું છે. 15 દિવસના આ મેગા પ્લેસમેન્ટ કેમ્પ્સનું આયોજન રાજ્યભરની કોલેજોમાં થશે.
એક તરફ બેરોજગારીની વાતો થઈ રહી છે ત્યારે સરકારી કોલેજમાં ભણતા અડધા કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ તરફથી સરકારની આ પહેલને પ્રતિસાદ મળ્યો હતો એ આશ્ચર્યજનક છે. આવું શા માટે થયું અને વિદ્યાર્થીઓએ સરકારી પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી નોકરી મેળવવામાં રસ કેમ ન દાખવ્યો એ વિશે શિક્ષણ વિભાગ સર્વે કરાવીને તપાસ કરાવશે.
જોકે વિદ્યાર્થીઓમાં ઉચ્ચશિક્ષણ,વેપારધંધો અને સ્વતંત્ર સ્ટાર્ટઅપ્સ શરૂ કરવાની ઈચ્છા આ માટે કારણભૂત છે, એમ છતાં વિદ્યાર્થીઓની નોંધણીનો આંકડો ઘણો ઓછો છે એવું રાજ્યનાં પ્રિન્સિપલ સેક્રેટરી(એજ્યુકેશન) અંજુ શર્માએ જણાવ્યું હતું. ઊર્જા પ્રધાન સૌરભ પટેલે આ માટે પોતાના વિસ્તારમાં કામ કરવા મળે તો જ નોકરી કરવાના ગુજરાતીઓના વલણને જવાબદાર ગણાવ્યું હતું.
રાજ્ય સરકાર તરફથી 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરની સરકારી અને સરકારીસહાય પ્રાપ્ત કોલેજોમાં 23 મેગા-પ્લેસમેન્ટ કેમ્પ્સ આયોજિત થશે, જેના પહેલા રાઉન્ડમાં 100 કંપનીઓ 2500 જેટલા ગ્રેજ્યુએટ્સને નોકરીની તક મળશે.