મોઢેરા સૂર્ય મંદિર ખાતે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025નું આયોજન

ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિરના પ્રાંગણામાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજા મોઢેરાના સૂર્ય મંદિર ખાતે યોજાશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટ્યમ, ઓડિસી નૃત્ય, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી, કથક અને સતરિયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરાશે.

ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઈ રહ્યો હોય અને દિવસ લાંબો-મોટો થવાની શરુઆત થતી હોય છે. ત્યારે ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરુ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્તરાર્ધ મહોત્સવના બે દિવસીય કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા કલાક્ષેત્રના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.